કશ્મીર ટેરર ફન્ડિંગનું સાઉદી અરબ કનેક્શન, NIA ટીમ સતર્ક

શ્રીનગર- કશ્મીર ઘાટીમાં આતંકીઓને કરવામાં આવતા ફન્ડિંગને લઈને NIAને મોટી સફળતા હાથ લાગી છે. NIAની ટીમને ટેરર ફન્ડિંગનું સાઉદી અરબ કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. NIAના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં રહેલા આતંકી સૈયદ સલાહુદ્દીનના દિકરા શાહિદ યુસુફે આ વાતની સ્પષ્ટતા કરી છે.

શાહિદ યુસુફે કરેલી સ્પષ્ટતા મુજબ તેના બેંક ખાતામાં સાઉદી અરબમાં રહેલા હિજબુલ મુજાહિદ્દીનના આતંકી એજાઝ અહેમદ બટ્ટે અનેકવાર ફંડ ટ્રાન્સફર કર્યું હતું. આ માહિતીના આધારે હવે NIAની ટીમ સાઉદી અરબમાં રહેતા એજાઝ બટ્ટ પર શિકંજો કસવાની તૈયારી કરી રહી છે.

NIA સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે એજાઝ બટ્ટ સામે ઈન્ટરપોલે પહેલાથી જ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરેલી છે. હવે એજાઝ પર કાર્યવાહી કરવા NIAની ટીમ સાઉદી અરબ સિક્યોરિટી એસ્ટાબ્લીશમેન્ટ સાથે જલદી જ વાતચીત કરી શકે છે.

આ ઉપરાંત NIAની ટીમે મોહમ્મદ મકબૂલ પંડિત અને એજાઝ અહેમદ બટ્ટના નામનો સમાવેશ આરોપપત્રમાં કર્યો છે. જોકે આ બન્ને આરોપી હાલમાં ફરાર છે. બન્ને સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરી છે. પાકિસ્તાનમાં રહેલો કુખ્યાત આતંકી સૈયદ સલાહુદ્દીન અને શાહિદ યુસુફનો પિતા મોહમ્મદ યુસુફ શાહને આ વર્ષે અમેરિકાના વિદેશ વિભાગે ગ્લોબલ આતંકી ઘોષિત કર્યો છે.