રાજપૂત કરણી સેનાના સુખદેવસિંહની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યએ લીધી

જયપુરઃ અહીંના શ્યામ નગર વિસ્તારમાં આજે બપોરે બનેલા એક ચોંકાવનારા બનાવમાં, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. બે હુમલાખોરોએ ગોગામેડીના ઘરમાં ઘૂસીને એમની પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરો એક મોટરસાઈકલ પર સવાર થયા હતા. ગોળીબાર કરીને બંને જણ ફરાર થઈ ગયા હતા.

પોલીસો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગોગામેડીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી લગાવી દીધી છે.

સીસીટીવી ફૂટેજ ઈન્ટરનેટ પર વાઈરલ

સુખદેવસિંહ ગોગામેડીને એમના ઘરમાં ઘૂસીને બે શખ્સે ઠાર કર્યા તેનો સીસીટીવી ફૂટેજ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હત્યારા શૂટરો સુખદેવસિંહ અને એમના એક સહયોગીની સાથે બેઠા હતા. અચાનક બંને શખ્સે બંદૂક કાઢી હતી અને ગોળીબાર શરૂ કર્યો હતો.

દરમિયાન, ગોગામેડીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ટોળકીના એક સભ્ય રોહિત ગોડારાએ લીધી છે.