ચક્રવાત ‘મિચૌંગ’ આંધ્રના સમુદ્રકાંઠે ત્રાટક્યું; 90 કિ.મી.ની ઝડપે ફૂંકાય છે પવન

હૈદરાબાદઃ ખતરનાક ચક્રવાતી વાવાઝોડું ‘મિચૌંગ’ આગાહી મુજબ આજે બપોરે આંધ્ર પ્રદેશ રાજ્યના નેલ્લોર અને કાવલી જિલ્લાઓ વચ્ચેના વિસ્તારમાં ત્રાટક્યું છે. તેણે બાપતલા નજીક લેન્ડફોલની શરૂઆત કરી છે. વાવાઝોડાની ઝપટમાં આવેલા વિસ્તારોમાં 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ઝડપથી રાહત પગલાં હાથ ધરી શકાય એટલા માટે અત્યંત સતર્ક રહેવાનો અધિકારીઓને ગઈ કાલે જ આદેશ આપી દીધો હતો. રાજ્ય સરકારે આઠ જિલ્લાઓને વાવાઝોડાની ગંભીર અસર માટે સતર્ક કરી દીધા છે – તિરુપતિ, નેલ્લોર, પ્રકાસમ, બાપતલા, ક્રિષ્ના, પશ્ચિમ ગોદાવરી, કોણાસીમા અને કાકીનાડા. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ભૂતકાળમાં આવું જ ભયાનક વાવાઝોડું ‘હૂડહૂડ’ ત્રાટક્યું હતું ત્યારના અનુભવને કામે લગાડીને રાહત પગલાં લેવાનું સરકારે વહીવટીતંત્રને જણાવ્યું છે.

વાવાઝોડું ‘મિચૌંગ’ આંધ્ર પ્રદેશ પરના આકાશમાં પશ્ચિમ-મધ્ય ખૂણે અને બાજુમાં આવેલા બંગાળના અખાત પર દક્ષિણ-પશ્ચિમ ખૂણે આંધ્ર પ્રદેશની દક્ષિણ તરફ અને પડોશના તામિલનાડુના ઉત્તર ભાગ તરફ કેન્દ્રિત છે. નેલ્લોર જિલ્લાથી એ 80 કિ.મી. દૂર છે જ્યારે ચેન્નાઈ (તામિલનાડુ) શહેરથી 120 કિ.મી. દૂર છે. બાપતલા જિલ્લાની દક્ષિણ બાજુએ આ વાવાઝોડું 210 કિ.મી.ના અંતરે સર્જાયેલું છે. મિચૌંગની અસર ગઈકાલથી જ વર્તાઈ રહી છે. નેલ્લોરમાં અનેક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. એને કારણે વીજળીના થાંભલા અને ઝાડ ઉખડી ગયા છે.

વાવાઝોડા ‘મિચૌંગ’ની અસર રૂપે તામિલનાડુમાં હાલ પડી રહેલા જોરદાર વરસાદને કારણે પાટનગર ચેન્નાઈ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે.