બેંગાલુરુ- કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના શપથ લીધાના એક મહિના પછી સરકારમાં ખેંચતાણ જોવા મળી રહી છે. બન્ને પાર્ટીઓમાં અંતર વધી રહ્યાંના અહેવાલ મળી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસમાં જૂથબંધીના પણ સમાચાર મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા નારાજ છે અને તેમની નારાજગી કર્ણાટકની કુમારસ્વામી સરકારને ભારે પડી શકે છે.રાજકીય વર્તૃળોમાં ચર્ચા ચાલી રહી છે કે, આગામી 5 જુલાઈના રોજ રાજ્યના બજેટ પહેલાં જ કુમાસ્વામી સરકારની અગ્નિપરીક્ષા થઈ શકે છે. મળતી માહિતી મુજબ એક સાંસદ અને એક પ્રધાન સહિત 9 ધારાસભ્યો સિદ્ધારમૈયાને મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ તમામ નેતાઓ નારાજ છે અને હવે સિદ્ધારમૈયા સાથે ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. જોકે, સિદ્ધારમૈયા સાથેની મુલાકાત અંગે ધારાસભ્ય નારાયણ રાવે જણાવ્યું છે કે, તેમની પાર્ટીમાં કોઈ જૂથબંધી નથી. આંતરિક વિવાદની વાતો માત્ર અફવા છે. તેઓ ફક્ત સિદ્ધારમૈયાની શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા.
હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધારમૈયા સીએમ કુમારસ્વામીને લઈને સતત પોતાનો અસંતોષ વ્યક્ત કરતાં રહ્યાં છે. જેનાથી JDSના ધારાસભ્યોમાં રોષની લાગણી વધી છે સાથે જ કોંગ્રેસના ઘણા નેતાઓમાં પણ અસંતોષ છે. હવે આ અસંતોષ કર્ણાટક સરકાર માટે કેટલો જોખમપુર પુરવાર થશે તે રાજ્યા આગામી બજેટ સુધીમાં ખ્યાલ આવશે.