શુજાત બુખારીના ત્રણેય હત્યારાઓને કશ્મીર પોલીસે ઓળખી કાઢ્યા

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરના કશ્મીર ભાગના જાણીતા પત્રકાર અને રાઈઝિંગ કશ્મીર અખબારના વડા તંત્રી શુજાત બુખારીના ત્રણ શકમંદ હત્યારાઓને પોલીસે ઓળખી કાઢ્યા છે. આમાંના બે હત્યારા સ્થાનિક છે જ્યારે ત્રીજો પાકિસ્તાની નાગરિક નાવેદ જાટ છે, જે કશ્મીરની જેલમાંથી નાસી છૂટેલો છે.

બુખારીની ગઈ 14 જૂને શ્રીનગર શહેરમાં પ્રેસ કોલોની વિસ્તારમાં એમની ઓફિસની બહાર મોટરસાઈકલ પર સવાર થયેલા ત્રણ શખ્સે ગોળી મારીને હત્યા કરી હતી. એ હુમલામાં બુખારીના બે અંગરક્ષકો પણ માર્યા ગયા હતા.

ત્રણેય શૂટર સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા. એ ફૂટેજ પોલીસે રિલીઝ કર્યું હતું.

એક શૂટર, જે બાઈક ચલાવી રહ્યો હતો એણે હેલ્મેટ પહેરી હતી. બીજો શકમંદ એનો ચહેરો છુપાડતો જોવા મળે છે જ્યારે ત્રીજાએ કાળો માસ્ક પહેર્યો હતો. ફૂટેજની તસવીરમાં જોઈ શકાય છે કે બીજા નંબરના શખ્સના હાથમાં એક બેગ હતી જેમાં કદાચ એ બંદૂકો હશે જેનો ઉપયોગ હુમલા માટે કરવામાં આવ્યો હતો.

અગાઉ સુરક્ષા એજન્સીઓએ એવી શંકા વ્યક્ત કરી હતી કે બુખારીની હત્યામાં નાવેદ જાટનો હાથ છે. એ લશ્કર-એ-તૈબાનો સભ્ય હોવાનું મનાય છે. એ ગયા ફેબ્રુઆરીમાં શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલમાંથી પોલીસ તાબામાંથી છટકીને ભાગી ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]