બેંગાલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનવાળી સરકારે આજે તેનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે તેમના સૌથી મોટા ચૂંટણી વાયદાને પૂરો કર્યો હતો. પરંતુ બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની કુમારસ્વામી સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત અન્ય કેટલીક જાહેરાત પણ કરી હતી. જોઈએ કુમારસ્વામીએ રજૂ કરેલા બજેટની 10 મોટી જાહેરાત.1. ખેડૂતોનું 34 હજાર કરોડ રુપિયાનું દેવું માફ
2. દરેક ખેડૂતોનું 2 લાખ રુપિયા સુધીનું દેવું માફ કરાશે. આ લોન 31 ડિસેમ્બર 2017 સુધીની હોવી જોઈએ
3. રાજધાની બેંગલુરુમાં રુપિયા 11 હજાર 950 કરોડના ખર્ચે પેરિફેરલ રિંગ રોડનું નિર્માણ કરાશે
4. જે ખેડૂતોએ નિયમિત રીતે લોન ચુકવણી કરી હોય તેમને વધુ 25 હજાર રુપિયા સુધી આપવામાં આવશે
5. દેશી દારુ ઉપર 4 ટકા એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરાશે, જેનાથી રાજ્ય સરકારની આવકમાં 1 હજાર કરોડનો વધારો થશે
6. બેલાંદુર જીલના કાયાકલ્પ માટે રુપિયા 50 કરોડની ફાળવણી કરાશે
7. આદિ શંકરાચાર્ય જયંતિની રાજ્ય સરકાર ધામધૂમથી ઉજવણી કરશે
8. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવા રાજ્ય સરકારનો પ્રસ્તાવ, પેટ્રોલમાં આશરે 1.14 રુપિયા અને ડીઝલમાં 1.12 રુપિયાનો વધારો કરાયો
9. કન્નડ પ્રાથમિક શાળાઓમાં કન્નડ માધ્યમની સાથે અંગ્રેજી માધ્યમના પણ વર્ગ ચલાવવામાં આવશે. રાજ્યની લગભગ 1 હજાર શાળાઓમાં આનો અમલ કરવામાં આવશે
10. બજેટ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ જણાવ્યું કે, કર્ણાટકનો GDP વર્ષ 2017-18માં 8.5 ટકા રહ્યો. જે વર્ષ 2016-17માં 7.5 ટકા હતો