આ તે કેવું નમામિ ગંગે? મોદી સરકારના સમયમાં વધુ પ્રદૂષિત થઈ ગંગા

વારાણસી- અહીં ગંગા નદીના ઘાટની મુલાકાત લેશો તો જણાશે કે, જે ગંગાને મોક્ષદાયિ કહેવામાં આવે છે તેમાં અહીં પ્લાસ્ટિક, નરકંકાલ, આસપાસનો કચરો સહિતની દરેક વસ્તુઓ ભેગી થાય છે જે ગંગા નદીને પ્રદૂષિત કરવામાં મુખ્ય ભાગ ભજવે છે.પ્રયોગશાળાના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે, વારાણસીના ઘાટ પર ગંગા નદીના પાણીના પ્રદૂષણમાં ચાર વર્ષ પહેલાંની સરખામણીમાં વધારો થયો છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ગંગા નદીને સાફ કરવા માટે મહત્વાકાંક્ષી એવા ‘નમામી ગંગે’ પ્રોજેક્ટની શરુઆત કરી હતી. એક માહિતી મુજબ ઘાટ પર ગંગા નદીના પાણીમાં મળ કોલિફોર્મ બેક્ટેરિયાના દૂષણમાં 58 ટકાનો વધારો થયો છે.

મહત્વનું છે કે, એક લીટર પાણીમાં 2500થી વધુ કોલિફોર્મ સુક્ષ્મસજીવોની હાજરી આ પાણીને નહાવા માટે પણ અસુરક્ષિત બનાવે છે. વારાણસીના માલવિય બ્રિજ પરથી લેવામાં આવેલા ગંગાના પાણીના નમૂનામાં બેક્ટેરિયાનું દૂષણ સત્તાવાર ધોરણો કરતાં 20 ગણું વધારે જોવા મળ્યું હતું.

બંગાળની ખાડીમાં સમુદ્રમાં મળતા પહેલા ગંગા નદી દેશના 100 નાનામોટા શહેર અને હજારો ગામડાઓમાંથી પ્રવાહીત થાય છે. સરકારના જણાવ્યા મુજબ ગંગા નદીમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા પાંચ રાજ્યોમાં પ્રતિદિન 144 ગંદા નાળાનું કચરાવાળું દુષિત પાણી ભેગું મળે છે.

સરકારી જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, સત્તાવાર સંગઠનોએ માત્ર 10 નવા નાળા બંધ કરવામાં સફળતા મેળવી છે. નહીં તો તેનું ગંદુ પાણી પણ નદીમાં ભળતું હતું. કાનપુર જેને એક સમયે પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું તેના ગંગા નદીના તટ ઉપર પણ ગટરનું ગંદુ પાણી ગંગામાં મળી રહ્યું હતું.

ગંગા સફાઈ અંગે એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, માત્ર સરકારની યોજનાઓ પર આધારિત રહેવું યોગ્ય ન કહેવાય. સ્થાનિક લોકોએ પણ જાગૃત થવાની જરુર છે અને ગંગા સફાઈમાં પોતાનું સક્રિય યોગદાન આપવું પડશે. આપને જણાવી દઈએ કે, કાનપુરમાં ગંગા નદીના દુષિત થવા માટે ચામડાના કારખાનાના દુષિત પાણીનું મોટું યોગદાન છે.

આપને જણાવી દઈએ કે, ગંગા સફાઈ માટે નમામી ગંગે પ્રોજેક્ટ જૂન-2014માં શરુ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક તબક્કે 20 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી હતી. સરકારી આંકડાઓ જણાવે છે કે, નદીમાંથી પ્રદૂષણ દૂર કરવા ‘નેશનલ મિશન ફોર ક્લીન ગંગા’ દ્વારા 8 હજાર 454 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાં ગંગા સંસાધન અને ગંગા પુનરુદ્ધાર મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણામાં નિશ્ચિત સમયમર્યાદામાં નદીની સફાઈ કરવાની દિશામાં અનેક પહેલ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.