રાહુલ ગાંધીની 150-દિવસની ‘ભારત જોડો યાત્રા’નો આજથી-આરંભ

કન્યાકુમારીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ ઝુંબેશ આજથી શરૂ થશે. આ યાત્રા કન્યાકુમારીથી કશ્મીર સુધીની હશે. તે 3,570 કિ.મી.ની અને 150 દિવસ સુધીની રહેશે. રાહુલ ગાંધી અને એમની ટીમના સભ્યો આ યાત્રામાં સહભાગી થશે. રાહુલ ગાંધીએ આ યાત્રાના આરંભ પૂર્વે તામિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે જઈને એમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીના શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ યાત્રાની વિશેષતાઓઃ

  • કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ તામિલનાડુના કન્યાકુમારીથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના કશ્મીર સુધીની હશે. આ યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પસાર થશે.
  • ફૂટમાર્ચ બે બેચમાં હશે – એક સવારે 7-10.30 સુધી અને બીજી બપોરે 3.30થી સાંજે 6.30 સુધી. સવારના સત્રની યાત્રામાં થોડાક સહભાગીઓ હશે, સાંજના સત્રમાં વધારે લોકો જોડાશે. સહભાગીઓ દરરોજ સરેરાશ 22-23 કિલોમીટર પદયાત્રા કરશે.
  • ભારત યાત્રીઓમાં રાહુલ ગાંધી સહિત 119 નેતાઓને પસંદ કરાયા છે. ભારત યાત્રીઓમાં 30 જેટલી મહિલાઓ હશે. સહભાગીઓની સરેરાશ વય 38 વર્ષ હશે.
  • પદયાત્રા 11 સપ્ટેમ્બરે કેરળ પહોંચશે અને ત્યાંથી ઉત્તર દિશામાં કર્ણાટક તથા અન્ય રાજ્યો તરફ આગળ વધશે. યાત્રા તિરુવનંતપુરમ, કોચી, નિલામ્બુર, મૈસુરુ, બેલારી, રાઈચુર, વિકારાબાદ, નાંદેડ, જળગાંવ, ઈન્દોર, કોટા, દૌસા, અલવર, બુલંદશહર, દિલ્હી, અંબાલા, પઠાણકોટ, જમ્મુ અને શ્રીનગર સુધીની હશે.
  • રાહુલ ગાંધી 150 દિવસની યાત્રા દરમિયાન કોઈ હોટેલમાં નહીં રહે, પરંતુ એક કન્ટેનરમાં રહેશે, જેમાં સૂવા માટે પથારી હશે, જાજરૂ હશે, એરકન્ડિશનર હશે. આવા 60 કન્ટેનર તૈયાર કરવામાં આવ્યા છે.
  • રાહુલ ગાંધીની સાથે રહેનાર ફૂલ-ટાઈમ યાત્રીઓ સાથે મળીને જ જમશે અને રહેશે.
  • યાત્રામાં સહભાગી થનારાઓને ભારત યાત્રી, અતિથિ યાત્રી, પ્રદેશ યાત્રી, વોલન્ટિયર યાત્રી જેવા નામ અપાશે. યાત્રાની ટેગલાઈન છે – ‘મિલે કદમ, જુડે વતન’.