નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત બોલીવુડ સિંગર કનિકા કપૂરને મળવા અને તેની સાથે પાર્ટીમાં જોડાનારા કેટલાય લોકો પર કોરોનાનું સંકટ મંડરાઈ રહ્યું છે. તેમને મળનારા લોકોમાં કેટલાક નેતાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાક નેતાઓએ પોતાને આઈસોલેટ કરવા અને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની જાણકારી શેર કરી છે. આમાં જાણીતા કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના દિકરા સાંસદ દુષ્યંત સિંહ સહિત અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. દુષ્યંત સિંહે થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં કેટલાક સાંસદો સાથે બ્રેકફાસ્ટ પણ કર્યું હતું. કોવિડ-19 થી સંક્રમિત સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં જોડાવાના સમાચાર સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે કોરોના વાયરસને લઈને પોતાનો ટેસ્ટ કરવામાં આવ્યો, જ્યારે ગુરુવારના રોજ તેમની સાથે મુલાકાત કરનારા લોકો ભાજપના ત્રણ ધારાસભ્યોને પોતાને આઈસોલેટ કરી દીધા છે.
ભાજપ સાંસદ દુષ્યંત સિંહ કોરોના પીડિત સિંગરની કનિકા સાથે એક પાર્ટીમાં જોડાયા હતા. બાદમાં દુષ્યંત સિંહે ઘણા સાંસદો સાથે મુલાકાત કરી હતી. ત્યાં સુધી કે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે નાસ્તો પણ કર્યો હતો. આ દરમિયાન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સાંસદ ઉપસ્થિત હતા. દુષ્યંત સિંહને મળ્યા બાદ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમણે કહ્યું કે 2 દિવસ પહેલા તેઓ દુષ્યંત સિંહ સાથે બેઠા હતા. આમ આદમી પાર્ટીના સંસદ સંજય સિંહ, કોંગ્રેસ નેતા દિપેન્દ્ર હુડ્ડા અને જિતિન પ્રસાદે પણ પોતાને સેલ્ફ ક્વોરેન્ટાઈન કરી લીધા છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની તમામ એપોઈનમેન્ટ રદ્દ કરી દીધી છે.
પોતાને ક્વારંટાઈન કરનારા નેતાઓ
- કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ
- ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ
- રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના દિકરા દુષ્યંત સિંહ
- ભાજપ ધારાસભ્ય અને રક્ષા મંત્રી રાજનાથ સિંહના દિકરા પંકજ સિંહ
- જેવરના ધારાસભ્ય ધીરેન્દ્ર સિંહ
- દાદરીના ધારાસભ્ય તેજ પાલ
- આપ સાંસદ સંજય સિંહ
- કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા અને જિતિન પ્રસાદ