ભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. ડેમેજ કન્ટ્રોલમાં જોડાયેલી કોંગ્રેસ કહી રહી છે કે તેમની સરકારને કોઈ સંકટ નથી. તો ભારતીય જનતા પાર્ટીના નેતા નરોત્તમ મિશ્રાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના 15-20 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ધારાસભ્ય કામ નથી કરાવી શકતા એટલા માટે તેમનામાં અસંતોષ વ્યાપ્ત છે.
આ પહેલા મધ્યપ્રદેશની રાજનીતિમાં મંગળવારના રોજ મોડી રાત સુધી હોબાળો થઈ ગયો હતો, જ્યારે 10 ધારાસભ્યોએ પાર્ટી બદલ્યાના સમાચારો આવ્યા. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે ભાજપે કોંગ્રેસ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોને દિલ્હી લઈ જવા માટે વિમાન બુક કરાવ્યો. જો કે તેમણે એપણ દાવો કર્યો કે, તેમના છ જેટલા ધારાસભ્યો પાછા આવી ગયા છે અને મધ્ય પ્રદેશ સરકારને કોઈ સંકટ નથી.
હવે ભાજપના નેતા નરોત્તમ મિશ્રાના એક દાવાએ પણ ખળભળાટ મચાવી દીધો છે. નરોત્તમ મિશ્રાએ દિલ્હીમાં કહ્યું કે, ધારાસભ્યો મારા સંપર્કમાં રહે છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાના કામ નથી કરી શકતા કારણ કે તેઓ જનતા પ્રત્યે જવાબદાર છે એટલા માટે તેમનામાં અસંતોષ વધી રહ્યો છે. 15-20 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. જે 10 ધારાસભ્યોની ચર્ચા થઈ રહી છે, કે જો તેઓ પાર્ટી બદલીને ભાજપમાં જોડાઈ જશે તો વિધાનસભામાં ભાજપનો આંકડો 117 એટલે કે બહુમતથી એક સીટ વધારે થઈ જશે. ત્યારે આવામાં મધ્ય પ્રદેશની વર્તમાન સરકાર પડી જશે.
આ આખા ઘટનાક્રમ પર ધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, માફિયાઓની મદદથી ભાજપ મધ્ય પ્રદેશની કોંગ્રેસની સરકારને અસ્થિર કરવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહી છે. અમારી પાસે વિધાનસભામાં પૂર્ણ બહુમત છે, જેને અમે બજેટ પાસ કરાવવા સિવાય સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી સમયે સાબિત પણ કર્યું છે.