નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયાને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડવાથી દિલ્હીની સાકેત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના સંક્રમણની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયા કોરોના પોઝિટિવ છે અને પાછલા ચાર દિવસોથી સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ છે. જ્યોતિરાદિત્ય સિંધિયામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં છે. તેમને ગળામાં ખરાશ અને તાવની ફરિયાદ હતી. જ્યારે તેમનાં માતામાં કોવિડ-19 ઇન્ફેક્શનનાં લક્ષણો જોવા નથી મળ્યા.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો પણ કોરોના વાઇરસનો ટેસ્ટ થયો
આ પહેલાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા હતા. CM કેજરીવાલને તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ હતી. ત્યાર બાદ તેમને ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. મુખ્ય પ્રધાન કેજરીવાલનો કોરોનાનો ટેસ્ટ આજે થયો છે અને રિપોર્ટ આવવાનો હજી બાકી છે.
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ અટકી નથી રહ્યું
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતો. પાછલા કેટલાક દિવસોથી પ્રતિદિન હઝાર કે એનાથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. આ મુદ્દે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની વચ્ચે બેઠક પણ થઈ હતી. ઉપ રાજ્યપાલે સર્વપક્ષી બેઠક બોલાવી છે, જેમાં કોરોના ઇન્ફેક્શનથી ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરવામાં આવશે. ઉપ મુખ્ય પ્રધાન સિસોદિયાએ બેઠકમાં કહ્યું હતું કે જો આ રીતે કોરોનાના કોસમાં વધારો થયો રહેશે તો 31 જુલાઈ સુધી પાંચ લાખથી વધુ કોરોનાના કેસ થઈ જશે.