જજો પણ સંપત્તિ જાહેર કરેઃ સંસદીય સમિતિની માગ

નવીન દિલ્હીઃ સંસદની ન્યાય સંબંધી સમિતિએ 133મા અહેવાલમાં ન્યાયપાલિકા સંબંધિત મામલાઓ પર વિચારો રજૂ કર્યો હતા, એમાં સુપ્રીમ કોર્ટ અને દેશની બધી હાઇકોર્ટના જજોની સંપત્તિની માહિતી જાહેર કરવાનો મામલો પણ સામેલ છે.

જોકે હાલની વ્યવસ્થામાં જજો માટે એ માહિતી દેવી ફરજિયાત નથી. વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટ અને બધા હાઇકોર્ટના જજોએ નિયમિત રીતે પોતાની સંપત્તિની માહિતી જાહેર કરવાનો સંકલ્પ લીધો હતો, પણ એ સંકલ્પ સફળ નહોતો થયો. જજો દ્વારા નિયમિત રીતે સંપત્તિ જાહેર કરવી અને એની માહિતી જાહેર કરવાની પ્રક્રિયાને સંસ્થાકીય રૂપ આપવું જરૂરી છે. સમિતિ મુજબ આવું કરવાથી સિસ્ટમમાં વધુ વિશ્વાસ અને વિશ્વસનીયતા આવશે, એમ સમિતિએ કહ્યું હતું.

કાનૂની મુદ્દાથી સંબંધિત વેબસાઇટ ‘ધ લીફલેટ’ મુજબ હાઇકોર્ટોમાંથી 15 ટકાથી પણ ઓછા જજોએ સંપત્તિની માહિતી આપી છે. વર્ષ 2021માં આવેલા આ વેબસાઇટ પરના અહેવાલ મુજબ એ સમયે સુપ્રીમ કોર્ટના માત્ર બે જજોની અને કેટલાક હાઇકોર્ટના ગણ્યાગાંઠ્યા જજોની સંપત્તિની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ હતી.

આ ઉચ્ચ કોર્ટોમાં દિલ્હી, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મદ્રાસ અને પંજાબ અને હરિયાણા સામેલ છે. સુપ્રીમ કોર્ટે સૌથી પહેલાં મે, 1997માં એવો સંકલ્પ પસાર કર્યો હતો, પરંતુ એ સમયે એ માહિતી જાહેર કરવાની વાત નહોતી.  ત્યાર બાદ અનેક ઉચ્ચ કોર્ટોએ આ પ્રકારના સંકલ્પ પાસ કર્યા છે, પંતુ આ પ્રસ્તાવોને પસાર થયાનાં 12 વર્ષો પછી સ્થિતિ એ છે કે ગણ્યાગાંઠ્યા જજોએ સંપત્તિની માહિતી આપે છે.