બિહારમાં ગૂંડારાજઃ હુમલાખોરોએ ગોળી મારીને યુવા પત્રકારની હત્યા કરી

પટનાઃ બિહારના અરરિયા જિલ્લામાં એક હિન્દી દૈનિકના અજાણ્યા હુમલાખોરોએ એક પત્રકારને એમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કર્યાનો બનાવ બન્યો છે. આ બનાવ રાણીગંજ પોલીસ સ્ટેશન હેઠળના પ્રેમ નગર વિસ્તારમાં આજે સવારે લગભગ પાંચ વાગ્યે બન્યો હતો. ચાર આરોપીઓ મોટરબાઈક પર આવ્યા હતા અને 35 વર્ષીય વિમલકુમાર યાદવ નામના પત્રકારને એમના ઘરની બહાર આવવા કહ્યું હતું. વિમલકુમાર દરવાજો ખોલીને જેવા ઘરની બહાર આવ્યા કે એક હુમલાખોરોએ એમની પર ગોળીબાર કર્યો હતો. ગોળી પત્રકારની છાતીમાં જમણી બાજુએ વાગી હતી. એ તરત જ ઢળી પડ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. વિમલકુમાર દૈનિક જાગરણ અખબારમાં કામ કરતા હતા.

વિમલકુમાર પર ગોળીબાર થયા બાદ એમના પત્નીએ બૂમાબૂમ કરીને આસપાસનાં લોકોને બોલાવ્યાં હતાં. પરિવારજનો તથા પડોશીઓ ઘાયલ વિમલકુમારને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. વિમલકુમારના પરિવારમાં એમના પત્ની, 15 વર્ષનો પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. કહેવાય છે કે ચાર વર્ષ પહેલાં વિમલકુમારના નાના ભાઈ શશીભૂષણ ઉર્ફે ગબ્બૂની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે કેસ વિશે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને વિમલકુમાર એકમાત્ર સાક્ષી હતા.

CM નીતિશકુમારે આપ્યો ઉચ્ચ-સ્તરીય તપાસનો આદેશ

રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશકુમારે વિમલકુમારની હત્યામાં ઉચ્ચ સ્તરે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસતંત્રએ તપાસ શરૂ પણ કરી દીધી છે. નીતિશકુમારે કહ્યું, ‘આ અત્યંત કમનસીબ અને પીડાદાયક બનાવ છે. મેં આ મામલે તપાસ કરવા અને આરોપીઓ સામે પગલું ભરવાનું અધિકારીઓને જણાવી દીધું છે.’ પોલીસને પ્રાથમિક તપાસમાં એવું માલૂમ પડ્યું છે કે વિમલકુમારને એમના કોઈક પડોશી સાથે જૂની દુશ્મનાવટ હતી.