ફન્ડિંગની અછતથી ઝઝૂમી રહી છે JNU?

નવી દિલ્હીઃ દેશની મોટી અને પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) એની મિલકતો વેચવા કે ભાડા પર આપવાની તૈયારીમાં છે. JNUને સરકાર ફંડ આપી છે, પણ યુનિવર્સિટીની આ નવી યોજના ફંડની અછતને ઉજાગર કરે છે. સવાલ એ છે કે સરકારી યુનિવર્સિટીને એની મિલકતો ભાડા પર કેમ આપવી પડી રહી છે?

18 ઓગસ્ટે JNUએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે યુનિવર્સિટીની કેટલીય જરૂરિયાતો છે, જેના માટે JNUને ફી વધાર્યા વગર ફંડ બનાવવાની જરૂર છે. શિક્ષણ મંત્રાલય JNUને સંપૂર્ણ રીતે સબસિડી આપે છે, પણ JNUની પાસે આંતરિક ફંડ નથી. અન્ય કેન્દ્રીય યુનિવર્સિટી આંતરિક ફંડથી 20 ટકાથી 30 ટકા પૈસા એકત્ર કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં JNUમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે.

JNUમાં વિદ્યાર્થીઓની ફી આજે પણ રૂ. 10 અને રૂ. 20 છે. શિક્ષણ મંત્રાલયે યુનિવર્સિટીનું ફન્ડિંગ વધાર્યું છે, પણ યુનિવર્સિટી પાયાની જરૂરિયાતો, પુસ્તકો, ઓનલાઇન સંસાધનો, સોફ્ટવેર વગેરે સંબંધિત વધતા ખર્ચા પૂરા કરવામા અસમર્થ છે. જે રિસર્ચ માટે જરૂરી છે. જેથી યુનિવર્સિટી નાના-મોટા ખર્ચાને પહોંચી વળવા માટે આવક વધારવા માગે છે.
JNUના વાઇસ ચાન્સેલર શાંતિ ડી પંડિતે કહ્યું હતું કે યુનિવર્સિટી નાણાકીય સમસ્યામાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે અમે મિલકતનો યોગ્ય ઉપયોગ કરવા ઇચ્છીએ છીએ. અમે ગોમતી ગેસ્ટ હાઉસ પાછળ દર મહિને રૂ. 50,000 ખર્ચ કરીએ છીએ, જેના બદલામાં અમને કંઈ નથી મળી રહ્યું.