ત્રીજી લહેર પહેલાં J&J સિંગલ ડોઝની રસીને મંજૂરી

નવી દિલ્હીઃ અમેરિકી કંપની જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ કોરોના રસીને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ શનિવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. અત્યાર સુધી દેશમાં કુલ પાંચ કોરોનાની રસીને મંજૂરી આપવામાં આવી છે. એમાં સીરમ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને સામેલ છે. આ સિવાય રશિયાની રસી સ્પુતનિક વીને પણ ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી ચૂકી છે.

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું હતું કે વૈશ્વિક આરોગ્ય સેવાના પ્રમુખ જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ કોવિડ-19 રસીને દેશમાં ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે ભારતે રસી બાસ્કેટનું વિસ્તરણ કર્યું છે. હવે ભારતની પાસે 5 EUA રસી છે. એનાથી દેશની સામૂહિક લડાઈને વધુ પ્રોત્સાહન મળશે. ઇમર્જન્સી યુઝ ઓથોરિટી (EUA) માટે અરજી કરવાના બે દિવસ પહેલાં કંપનીને રસી માટે ભારતની મંજૂરી મળી ગઈ છે.

કંપનીએ કહ્યું હતું કે બાયોલિજકલ ઈ જોન્સન એન્ડ જોન્સનના ગ્લોબલ સપ્લાય ચેઇન નેટવર્કનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો થશે. અમેરિકી કંપની નોવાક્સએ પણ ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગી છે. ભારત J&Jની જેમ નોવાવેક્સને જલદી મંજૂરી અપાય એવી શક્યતા છે.

દેશમાં અત્યાર સુધી 50 કરોડ લોકોથી વધુ લોકોને કોરોનાની રસીનો કમસે કમ એક ડોઝ લાગી ચૂક્યો છે.