બિહારમાં JDU-BJP ગઠબંધન તૂટ્યું! : CM રાજ્યપાલને મળશે

પટનાઃ બિહાર ભાજપની સાથે JDUના ચાલી રહેલા ઘમસાણની વચ્ચે મુખ્ય પ્રધાન નીતીશકુમાર પાર્ટીના વિધાનસભ્યો અને સાંસદોની સાથે બેઠક કરી હતી. આ બેઠક પછી તેમણે રાજ્યપાલ ફાગુલાલ ચૌહાણ પાસે મળવાનો સમય માગ્યો હતો. મુખ્ય પ્રધાન ભાજપ સાથે છેડો ફાડીને RJDની સાથે સરકાર બનાવવાની તૈયારીમાં છે. બીજી બાજુ, બિહાર સરકારમાં ભાજપ ક્વોટાના પ્રધાનો રાજીનામાં નહીં આપે, એમ સૂત્રોએ કહ્યું હતું. બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ પર ભાજપ 1.30 કલાકે પત્રકાર પરિષદ કરશે.

બિહારમાં રાજકીય ઘમસાણની વચ્ચે ભૂતપૂર્વ CM લાલુ યાદવની પુત્રીએ ટ્વીટ કરીને મોટો સંકેત આપ્યો છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યેએ ટ્વીટ કર્યું છે કે રાજતિલકની કરો તૈયારી, આવી રહ્યા છે લાલ ટેન ધારી. તેજસ્વીએ પણ ગૃહ મંત્રાલય માગ્યું છે.

આ પહેલાં પાછલા JDUના ભૂતપૂર્વ અધ્યક્ષ આરસીપી સિંહના રાજીનામા પછી JDUના સૂર NDA માટે બદલાઈ રહ્યા છે. JDUના નેતા સતત ભાજપ અને NDA ગઠબંધનને લઈને નિવેદનબાજી કરી રહ્યા છે.

બિહારમાં રાજકીય ઊલટફેર લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અને લેફ્ટના વિધાનસભ્યોના ટેકાના પત્ર તેજસ્વી યાદવને સોંપવામાં આવ્યા છે. તેજસ્વી આ સમર્થન પત્ર નીતીશકુમારને આપશે અને બિહારમાં નીતીશકુમાર કાલે અથવા પરમ દિવસે ફરી એક વાર મુખ્ય પ્રધાનપદના શપથ લેશે.

ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે સવારે નીતીશકુમાર સાથે ફોન પર વાતચીત કરી હતી, તેમ છતાં JDUનો મિજાજમાં નરમ નથી જોવા મળ્યો. બિહારમાં JDUના નેતાઓની મહત્ત્વની બેઠક પહેલાં કોંગ્રેસ, જીતન રામ માંઝી અને CPIએ નીતીશકુમારને વિના કોઈ શરતે ટેકો આપવાનું જાહેર કર્યું હતું.