શ્રીનગર- ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ઉષ્માપૂર્ણ સહકાર જળવાઈ રહે તે માટે ભારત પાકિસ્તાન સાથે હમેશા કંઈક નવું કરવા પ્રયાસ કરે છે. જેના અનુસંધાને ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) આગામી સમયમાં જમ્મુ-કશ્મીરના એ વિસ્તારમાં જ્યાં આઝાદી પહેલા પાકિસ્તાનના સિયાલકોટ તરફ રોડ જતો હતો તેની પાસે ભારતીય સરહદની અંદર ઓક્ટ્રોય પાસે ભવ્ય ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ શરુ કરવી જઈ રહી છે.
આમ કરવા પાછળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું માનવું છે કે, ઓક્ટ્રોય પર લોકોની ઉપસ્થિતિ અને આવન-જાવનને કારણે જમ્મુ-કશ્મીર ટૂરિઝમને વધુ પ્રોત્સાહન મળશે. તો બીજી તરફ બન્ને દેશોના સંબંધોમાં પણ સુધાર આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) આગામી સમયમાં જલદી જ જમ્મુ-કશ્મીર સરહદે પણ અમૃતસરની વાઘા બોર્ડરની જેમ ભવ્ય ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’નું આયોજન કરશે.
શરુઆતના તબક્કામાં નાના સ્તરની સેરેમનીનું આયોજન બન્ને દેશો તરફથી હાલમાં પણ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો આ સેરેમનીને પંજાબની વાઘા સરહદ પર યોજાતી ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ની જેમ ભવ્ય આયોજન કરવામાં માટે વિચારણા ચાલી રહી છે. જેથી વધુ લોકો આ વિસ્તારમાં આવે અને ટૂરિઝમને વેગ મળે.
આ વિસ્તાર આઝાદી પહેલાનો એ વિસ્તાર છે જ્યાંથી ભારતથી સિયાલકોટ થઈને રસ્તો બનાવવામાં આવ્યો હતો, જ્યાંથી અફઘાનિસ્તાન થઈને વેપાર ચાલતો હતો. આ વિસ્તારને જ ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ માટે પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી આતંકવાદને પ્રોત્સાહન આપવા છતાં ભારત તરફથી સંબંધ સુધારવાનો આ વધુ એક પ્રયાસ છે.