સરકારી પુસ્તકોમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આતંકી દર્શાવાયા: RTIમાં સ્પષ્ટતા

નવી દિલ્હી- સ્વતંત્રતા સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત સરકારે હજી સુધી શહીદનો દરજ્જો નથી આપ્યો. આ વાતની સ્પષ્ટતા RTIની અરજી બાદ સામે આવી છે. આ RTI ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રીસર્ચમાં (ICHR) દાખલ કરવામાં આવી હતી. RTIમાં અન્ય એક વાત પણ સામે આવી છે કે, ICHR દ્વારા રિલીઝ કરવામાં આવેલા પુસ્તકમાં ભગતસિંહ સહિતના શહીદોને કટ્ટર યુવા આતંકી દર્શાવવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, ICHRએ માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત આવતું સંગઠન છે. અને તેના ચેરમેનની નિયુક્તિ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. RTIમાં એ વાત પણ જાણવા મળી છે કે, વર્તમાન સરકાર પહેલાની સરકારો દ્વારા આ ત્રણ ક્રાંતિકારીઓની સતત અવગણના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ એ શહીદ છે જેમણે યુવા પેઢીને પ્રેરણા આપી છે.

આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે ભગતસિંહને આતંકી કહેવા પર વિવાદ થયો હોય. ગત વર્ષે દિલ્હી વિશ્વવિદ્યાલયના ઈતિહાસના પાઠ્યક્રમમાં સમાવેશ કરવામાં આવેલા પુસ્તકમાં પણ ભગતસિંહને ક્રાંતિકારી આતંકવાદી ગણાવવામાં આવ્યા હતા.

અંગ્રેજી પુસ્તક ‘ઈન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઈન્ડિપેન્ડન્સ’ નામનું આ પુસ્તક ગત બે દાયકા કરતાં પણ વધારે સમયથી દિલ્હી વિશ્વવિદ્યાલયના (DU) પાઠ્યક્રમનો ભાગ રહી છે. આ પુસ્તકના 20માં સંસ્કરણમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સૂર્યસેન સહિત અન્ય ક્રાંતિકારીઓને ‘રિવલ્યૂશનરી ટેરરિસ્ટ’ તરીકે ઓળખ આપવામાં આવી છે. આ પુસ્તકમાં ચટગાંવ આદોલનને પણ આતંકી કૃત્ય દર્શાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવેલી બ્રિટિશ પોલીસ અધિકારી જ્હોન સૈંડર્સની હત્યાને પણ આતંકી કૃત્ય તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ પુસ્તકની હિન્દી આવૃત્તિને ‘ભારતનો સ્વતંત્રતા સંઘર્ષ’ નામથી વર્ષ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.