શ્રીનગર- પાકિસ્તાનમાં નવી સરકારની રચના થયા બાદ પણ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ યથાવત છે. એક તરફ પાકિસ્તાની આતંકીઓ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે, બીજી તરફ નિયંત્રણ રેખા પર ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.મહત્વનું છે કે, ગત કેટલાંક દિવસોથી પાકિસ્તાન LoC પર ભારતીય વિસ્તારોમાં આતંકીઓને ઘુસાડવા પ્રયાસ કરી રહ્યું છે. જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવાયા બાદ પાકિસ્તાન વધુ ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાન તરફથી ભારતના બારામુલ્લા અને કમલકોટ વિસ્તારમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાને આ વિસ્તારોમાં ભારે શસ્ત્રો સાથે લાંબા સમય સુધી ફાયરિંગ કર્યું હતું. જેથી વિસ્તારમાં તણાવ સર્જાયો હતો.
પાકિસ્તાન દ્વારા ફાયરિંગ શરુ કરાયા બાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ પાકિસ્તાને ભારતના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ભારે ફાયરિંગ કર્યું હતું. ગત ત્રણ દિવસ દરમિયાન ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.