કશ્મીરમાં હિન્દુ-શિક્ષિકાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કશ્મીર પ્રદેશના કુલગામ જિલ્લામાં આજે આતંકવાદીઓએ રજનીબાલા નામનાં એક હિન્દુ શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાને વ્યાપક રીતે વખોડી કાઢવામાં આવી રહી છે. 36 વર્ષીય રજનીબાલા મૂળ જમ્મુ વિભાગના સાંબા જિલ્લાનાં રહેવાસી હતાં, પરંતુ એમને કશ્મીર વિભાગના કુલગામ જિલ્લાના ગોપાલપોરામાં એક સરકારી શાળામાં ફરજ પર મૂકવામાં આવ્યાં હતાં. હુમલામાં એ ઘાયલ થયાં હતાં. એમને તરત જ નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા. રજનીબાલા સ્થળાંતરિત કશ્મીરી પંડિત હતાં. પોલીસે હત્યારાઓને શોધી કાઢવા માટે આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે.

મે મહિનામાં આ બીજાં બિન-મુસ્લિમ સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી છે. જ્યારે કશ્મીર ખીણવિસ્તારમાં આ મહિનામાં ટાર્ગેટ બનાવીને કરાયેલી આ સાતમી હત્યા છે. ગઈ 12 મેએ કશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા ગામમાં તેહસીલદારની કચેરીની અંદર રાહુલ ભટ્ટ નામના એક ક્લાર્કને ઠાર મારવામાં આવ્યા હતા. આ મહિને ત્રાસવાદીઓ દ્વારા કશ્મીરમાં ટાર્ગેટ બનાવીને જે સાત હત્યા કરવામાં આવી છે એમાંના ત્રણ પોલીસ જવાન હતા જ્યારે ચાર નાગરિકો હતા.