નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એપ્રિલથી 16.84 લાખ ટેક્સપેયર્સને 26,242 કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા છે. કોવિડ-19 સંકટની વચ્ચે લોકો અને કંપનીઓને રોકડ ઉપલબ્ધ કરાવવા માટે ડિપાર્ટમેન્ટે રિફંડનું કામ ઘણી ઝડપથી કર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT)એ શક્રવારે કહ્યું છે કે એક એપ્રિલથી 21 મેની વચ્ચે 16,84298 ટેક્સપેયર્સને રિફંડ મળ્યાં. CBDTએ કહ્યું છે કે 15,81,906 ટેક્સપેયર્સને 14,632 કરોડ રૂપિયાનાં ઇન્કમ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં. ત્યાં 1,02,329 ટેક્સપેયર્સને કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કર્યા છે.
પાછલા સપ્તાહે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત પછી રિફંડ જારી કરવાનું કામ વધુ ઝડપથી કરવામાં આવ્યું. સીતારામને કહ્યું હતું કે આપણે રિફંડમાં મોડું ના કરવું જોઈએ. આપણે એને અટકાવવા નહીં જોઈએ. હાલના સમયમાં તમારે પૈસાની જરૂર છે અને તમને પાસે એ પહોંચવા જોઈએ.
CBDTએ 16 મેએ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન 37,531 ટેક્સપેયર્સને 2050.61 કરોડનાં રિફંડ જારી કર્યાં હતાં.આ જ રીતે કોર્પોરેટ ટેક્સ પેયર્સને 867.62 કરોડ રૂપિયાનાં રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં. જ્યારે 21 મેએ પૂરા થયેલા સપ્તાહમાં 1,22,764 ટેક્સપેયર્સને 2672.97 કરોડનાં રિફંડ જારી કરવામાં આવ્યા હતાં. બીજી બાજુ 33,774 કોર્પોરેટ ટેક્સપેયર્સને 6714.34 કરોડ રૂપિયાનાં રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં.