કોરોનાના નવા 6654 કેસ અને 137 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોમાં સતત પાંચ હજારથી ઉપરનો દૈનિક વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,25,101 થઈ ગઈ છે અને અત્યાર સુધી 3720 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6654 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે અને 137 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી 51,784 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. એ 41.39 ટકાએ પહોંચ્યો છે. દેશનાં બધાં રાજ્યોમાંથી દર્દીઓ સામે આવી ચૂક્યા છે. જોકે કેટલાંક રાજ્યો આ રોગચાળામાંથી મુક્ત પણ થઈ ચૂક્યાં છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ 44,582 કેસ નોંધાયા છે. અહીં આ વાઇરસને કારણે 1517 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાં 12,583 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 53 લાખને પાર

વિશ્વમાં કોરોનાના કેસોમાં પણ ઝડપી વધારો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર 180થી વધુ દેશોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં વિશ્વમાં 53 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને સવા ત્રણ લાખ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.