‘ઈસરો’ની બમણી સફળતા: ‘બાહુબલી’ રોકેટ વડે લોન્ચ કર્યો અત્યાધુનિક સેટેલાઈટ GSAT-29

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) – ભારતે તેના અત્યાધુનિક અને 3,423 કિલોગ્રામ વજનના કમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-29 ને પોતાના સૌથી વજનદાર રોકેટ જિઓસિન્ક્રોનોરસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ-માર્ક 3 (GSLV-Mk III)ની મદદથી આજે સાંજે અહીંના સ્પેસપોર્ટ ખાતેથી સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કરી સફળતા હાંસલ કરી છે. GSLV-Mk IIIને ‘બાહુબલી’ રોકેટ તરીકે ગણવામાં આવ્યું છે. શક્તિશાળી રોકેટ દ્વારા GSAT-29ને ભ્રમણકક્ષામાં મૂકીને ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આ સાથે એક વધુ મોટી અને મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે.

સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આજે સાંજે 5.08 વાગ્યે અવકાશમાં લોન્ચ કરવામાં આવેલું રોકેટ GSLV-Mk III 43.4 મીટર લાંબું અને 640 ટન વજનનું છે.

રોકેટ લોન્ચનું કાઉન્ટડાઉન મંગળવારે બપોરે 2.50 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું.

આ રોકેટે લોન્ચ કરેલો સેટેલાઈટ GSAT-29 ભ્રમણકક્ષામાં ગોઠવાતાં જમ્મુ અને કશ્મીર તથા ઈશાન ભારત વિસ્તારમાં કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ઉપયોગી બની રહેશે, વાવાઝોડાના જોખમથી હવામાન વિભાગને સાવચેત કરશે તેમજ હિંદ મહાસાગરમાં દુશ્મનોનાં જહાજોની હિલચાલ પર નિરીક્ષણ રાખશે, એમ ઈસરો સંસ્થાના ચેરમેન કે. સિવને કહ્યું છે.

શ્રીહરિકોટા ખાતેથી આ 67મું રોકેટ લોન્ચિંગ બન્યું છે. અને અવકાશમાં મૂકવામાં આવેલો જીસેટ-29 દેશનો 33મો કમ્યુનિકેશન સેટેલાઈટ બન્યો છે. આ સેટેલાઈટમાં હાઈ રિઝોલ્યૂશન કેમેરા છે જેના દ્વારા ભારત હિંદ મહાસાગરમાં ફરતા જહાજો પર નિરીક્ષણ રાખી શકશે.

GSLV MK 3-D2 રોકેટ GSLV શ્રેણીના ત્રીજી પેઢીનું છે. જે જૂની શ્રેણીની સરખામણીમાં આકાર તથા સ્ટેજની બાબતમાં ઘણું અલગ છે. અગાઉની શ્રેણીના રોકેટની સરખામણીમાં નવું રોકેટ ડબલ વજનના સેટેલાઈટ ઉંચકી શકે છે.

GSLV-Mk III રોકેટમાં ચાર-ટન વજનના સેટેલાઈટને અવકાશમાં લઈ જવાની ક્ષમતા છે.

ઈસરો સંસ્થાએ 2017ની પાંચમી જૂને આવા જ પ્રકારના રોકેટ દ્વારા GSAT-19 સેટેલાઈટને અવકાશમાં લોન્ચ કર્યો હતો.

આ વર્ષમાં ઈસરોનું આ પાંચમું મિશન બન્યું છે.

આ રોકેટને બનાવવામાં ઈસરોનાં વિજ્ઞાનીઓને 15 વર્ષનો સમય લાગ્યો છે અને આશરે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે આ રોકેટનો જ ઉપયોગ આવતા વર્ષે ‘ચંદ્રયાન-2’ અને 2002ની સાલમાં ‘ગગનયાન’ને લોન્ચ કરવા માટે પણ કરવામાં આવશે.

GSLV MK 3-D2 રોકેટ દ્વારા GSAT-29 સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળતા મેળવવા બદલ વડા પ્રધાન મોદીએ ‘ઈસરો’ના વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા.

httpss://twitter.com/narendramodi/status/1062684582212816897

httpss://twitter.com/narendramodi/status/1062684584016457729

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]