નવી દિલ્હી- મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા રક્ષા મંત્રાલયે ઈઝરાયલ સાથે સ્પાઈક એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ માટે 500 મિલિયન ડોલરની ડીલ રદ કરી છે. રક્ષા મંત્રાલય હવે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું નિર્માણ દેશમાં જ કરશે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનને (DRDO) આ મિસાઈલ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. DRDOને આ ટેકનીકથી મિસાઈલ બનાવવા માટે ત્રણથી ચાર વર્ષનો સમય લાગી શકે છે.
એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ ઈઝરાયલ સાથે ડીલ રદ કરવાનું મુખ્ય કારણ સ્વદેશી હથિયાર નિર્માણને પ્રોત્સાહન આપવાનું છે. આ ડીલથી DRDOને સ્વદેશી ટેકનોલોજીથી હથિયાર બનાવવાની પ્રકિયા પર પ્રતિકૂળ અસર પડશે તેમ માનવામાં આવતું હતું, જેથી ઈઝરાયલ સાથેની આ ડીલ રદ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
ગત વર્ષે ઈઝરાયલ સાથે કરવામાં આવેલી રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ ડીલ બાદ સ્પાઈક મિસાઈલની ડીલને બન્ને દેશોના સંબંધોમાં નવી મજબૂતીના રુપમાં જોવામાં આવતી હતી. આ ડીલ બાદ ઈઝરાયલના રાફેલ અને ભારતના કલ્યાણી ગ્રુપ વચ્ચે ભારતમાં જ મિસાઈલના નિર્માણ કરવા પર સહમતી સધાઈ હતી. જેના માટે હૈદરાબાદ પાસે આધુનિક પ્લાન્ટનું પણ નિર્માણ કરવામાં આવતું હતું.
આ પહેલા પણ DRDO ભારતીય સેના માટે નાગ અને અનામિકા જેવા એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ બનાવી ચૂકી છે. DRDOને વિશ્વાસ છે કે, આગામી ત્રણથી ચાર વર્ષમાં તે કોઈ પણ વિદેશી મદદ વિના ભારતીય સેના માટે થર્ડ જનરેશનની મેન પોર્ટેબલ એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલનું નિર્માણ કરવા સક્ષમ થઈ જશે.