શું હવે આતિશી અને સૌરભ ભારદ્વાજનો નંબર છે?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું હતું કે દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંના એક વિજય નાયર મને નહીં, પણ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. EDએ રાઉઝ એવેન્યુ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલ તપાસને અવળે પાટે ચઢાવી રહ્યા છે.

EDએ જણાવ્યું હતું જ્યારે વિજય નાયર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કેજરીવાલે આતિશી અને સૌરભ ભારદ્વાજને નાયર રિપોર્ટ કરતો હોવાનું જણાવ્યું હતું. અમે એ વખતે કોર્ટમાં વિજય નાયરની મીટિંગથી જોડાયેલા બધા પુરાવા રજૂ કર્યા હતા. આ સિવાય ગોવા ચૂંટણીમાં રોકડથી જોડાયેલા પુરાવાને કેજરીવાલે માનવાથી ઇનકાર કરી દીધો હતો. એજન્સીને રિમાન્ડની જરૂર નહોતી, એટલે કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. 

ઇવેન્ટ કંપની ઓનલી મચ લાઉડરના ભૂતપૂર્વ CEO વિજય નાયર આપ પાર્ટીથી જોડાયેલો હતો. તેની 2022માં CBIએ આ મામલે ધરપકડ કરી હતી. CBIએ આરોપ લગાવ્યો હતો કે નાયરે કૌભાંડમાં એક લિકર કંપનીના માલિકથી લાંચ લીધી હતી. નાયર 2014માં આપ પાર્ટી સાથે જોડાયો હતો. નાયર આશરે પાંચ વર્ષ દરમ્યાન પાર્ટીના કાર્યક્રમોની યોજના, સોશિયલ મિડિયાનું કામ કરતો હતો, પણ પછી તે પાર્ટીનો કોમ્યુનિકેશન ઇન્ચાર્જ હતો. ત્યાર બાદ ઇવેન્ટ કંપનીના કામથી નાયરનું કદ ઘણું વધ્યું હતું. તે પાર્ટીને સલાહ પણ આપતો હતો. પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેની ઉપસ્થિતિ વધી ગઈ હતી. તે નીતિ વિષય મામલાઓ પર પણ સલાહ આપતો હતો, તે મોટા ભાગે પડદા પાછળ કામ કરતો હતો. તે પાર્ટીનો એક સક્રિય કાર્યકર્તા હતો.