નવી દિલ્હી: આઈઆરસીટીસી તિરુનેલવેલીથી બે ભારત દર્શન સ્પેશિયલ ટ્રેનો શરુ કરવા જઈ રહી છે. આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનો અહીંથી દેશભરના જ્યોતિર્લિંગો અને રામાયણ સાથે જોડાયેલા સ્થળો પર જશે. આ બંન્ને ટ્રેનોનું સંચાલન ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કરવામાં આવશે.
આઈઆરસીટીસીના સાઉથ ઝોનના જનરલ મેનેજર પી સેમ જોસેફે મીડિયાને જણાવ્યું કે, 13-ડે મહાશિવરાત્રી નવ જ્યોતિર્લિંગ સ્પેશિયલ એક્સપ્રેસ તિરુનેલવેલીથી 19 ફેબ્રુઆરીએ નિકળશે. તો 14-ડે રામાયણ યાત્રા સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન 5 માર્ચે રવાના થશે. જોસેફે જણાવ્યું કે, જ્યોતિર્લિંગ સ્પેશિયલ માટે પેકેજની કિંમત વ્યક્તિ દીઠ 15,320 રૂપિયા હશે. તો રામાયણ યાત્રા માટે પેકેજની કિંમત પ્રતિ વ્યક્તિ 15,990 રૂપિયા હશે.
વધુમાં જોસેફે જણાવ્યું કે, આઈઆરસીટીસી દર બુધવારે ચેન્નાઈથી શિરડી માટે પણ રેલવે ટૂર પેકેજ રજૂ કરી રહ્યું છે. મહત્વનું છે કે, વર્ષ 1999માં આઈઆરસીટીસીના આરંભથી અત્યાર સુધી તેના દ્વારા 370થી વધુ ભારત દર્શન ટૂરિસ્ટ ટ્રેનો શરુ કરવામાં આવી છે.