નિર્ભયા કેસઃ ડેથ વોરન્ટ જોઈ ધ્રુજી ગયા અપરાધીઓ, પણ પસ્તાવો ન દેખાયો

નવી દિલ્હીઃ નિર્ભયા રેપ કેસના ચારે આરોપીઓને 22મી તારીખે સવારે 7 વાગ્યે એક સાથે જેલ નંબર-3માં ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. તેના માટે યુપીના જેલ વિભાગ તરફથી બે જલ્લાદ માગવામાં આવ્યા છે. કાનપુરમાં રહેનારા જલ્લાદ વૃદ્ધ થઈ ગયા હોવાથી મેરઠના જલ્લાદ આ ચારે રાક્ષસોને ફાંસી પર લટકાવી શકે છે. અપરાધીઓના મૃતદેહ અફઝલની જેમ તિહાર જેલમાં દાટવાને બદલે તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.

તિહાર જેલ અધિકારીઓ તરફથી જાણવા મળ્યું છે કે તેમનું ડેથ વોરન્ટ જાહેર થતા જ હવે તેના સંબંધમાં પત્રવ્યવહાર થશે તે લાલ રંગના કવરમાં હશે. આવું એટલા માટે જેથી આ રંગનું કવર જોતા સમજી જવાય કે આ સરકારી પત્રોના આદાન-પ્રદાનમાં મોડું ના થાય અથવા કોઈ બેદરકારી દાખવવામાં ના આવે. કોર્ટે જે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું તે અપરાધીઓને બુધવારે સવારે આપી દેવામાં આવ્યું. આ દરમ્યાન તેમના પગ ધ્રૂજવા લાગ્યા પણ તેમણે કરેલા ગુના પર તેમના ચહેરા પર કોઈ પસ્તાવો જોવા ના મળ્યો.

જેલ સૂત્રોએ જણાવ્યું કે, મંગળવારે રાતથી જ તેમનું બિહેવિયર સ્ટડી પણ શરુ કરી દેવામાં આવ્યું છે. જેના માટે મનોવૈજ્ઞાનિક કામ કરી રહ્યા છે, જેઓ દિન-પ્રતિદિન દોષિતોની મનોદશા પર નજર રાખીને રિપોર્ટ તૈયાર કરશે. તેમના માનસિક સંતુલન વિશે પણ માહિતી એક્ઠી કરાશે. ફાંસી પર લટકાવતા પહેલા આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જેલ અધિકારીઓનું કહેવું છે કે ફાંસી પર લટકાવતી વખતે તેમના પરિવારનો કોઈ સભ્ય અહીં હાજર નહીં રહે.

ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બર 2012ના રોજ મુંબઈ હુમલાનો અપરાધી અજમલ કસાબને પૂણેની યરવડા જેલામાં ફાંસી આપવામાં આવી હતી. આઝાદ હિન્દુસ્તાનમાં આ પ્રથમ વખત થયું હતું કે, કોઈ પેશેવર જલ્લાદ વગર કોઈ આરોપીને ફાંસી આપવામાં આવી હોય. હકીકતમાં કસાબને ફાંસી આપવા માટે પવન જલ્લાદના પિતા મામૂ સિંહની નિયુક્તી કરવામાં આવી હતી પણ આ દરમ્યાન મામૂનું નિધન થઈ ગયું. ત્યારપછી 9 ફેબ્રુઆરી 2013માં સંસદ પર હુમલાનો ગુનેગાર અફઝલ ગુરુને ફાંસીના માચડે લટકાવવામાં આવ્યો હતો. તિહાર જેલના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયું હતું કે, વગર કોઈ જલ્લાદે જેલ કર્મચારીઓએ જ ફાંસી આપી હતી. અફઝલ ગુરુને ફાંસી આપવા માટે ફાંસીના માચડાનું લિવર તિહાર જેલના જ એક કર્મચારીએ ખેંચ્યું હતું.