નવી દિલ્હી: ઈરાનના વિદેશ મંત્રી ઝવાદ ઝરીફે કહ્યું કે, ખાડી ક્ષેત્રમાં તણાવ ઘટાડવામાં ભારત મહત્વની ભૂમિકા નિભાવી શકે છે કારણ કે, ભારત એક મહત્વપૂર્ણ પક્ષ છે. ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે ઝરીફનું આ નિવેદન સામે આવ્યું છે. ભારત પહેલાથી શાંતિ અને તણાવ ઘટાડવાના પક્ષમાં રહ્યું છે. ભારત ઈરાન, સંયુક્ત અરબ અમીરાત, ઓમાન અને કતર સહિત પ્રમુખ પક્ષોના સંપર્કમાં છે, કારણ કે આ ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ હિતો રહેલા છે.
આ કારણે જ ઝરીફે ખાડી ક્ષેત્રમાં તણાવ ઘટાડવા માટે ભારતને મહત્વનું ગણાવ્યું છે. ઝવાદ ઝરીફે બુધવારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત કરી અને બંને નેતાઓએ ખાડીમાં ચાલી રહેલી હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી.
ઉલ્લેખનીય છે કે, ઝરીફ અને સર્ગેઈ ભૂ-રાજનીતિ પર યોજાઈ રહેલા ભારતના વૈશ્વિક સમ્મેલન ‘રાયસીના ડાયલોગ’માં ભાગ લેવા માટે ભારત આવ્યાં છે. આ સમ્મેલનનું એવા સમયે આયોજન થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન સુલેમાનીની હત્યા પછી ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ પર કેન્દ્રીય થયેલું છે. બંને રાષ્ટ્રો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ભારત હંમેશાથી શાંતિની અપીલ કરતું આવ્યું છે.