દિગ્ગીરાજા મેદાનમાં: મોદી-શાહે ઝાકિર નાઈકને ઓફર કર્યાનો આક્ષેપ

ભોપાલ: મની લોન્ડ્રિંગના આરોપી ઝાકિર નાઈકને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે આવી ગઈ છે. પહેલા ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, તે ઝાકિર નાઈકનું સમર્થન કરે છે. ત્યારપછી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કરતા કહ્યું કે, મોદી અને શાહે ઝાકિર નાઈકને એક ડીલ ઓફર કરી હતી. દિગ્વિજય સિંહે કહ્યું કે, ઝાકિર નાઈકે નિવેદન આપ્યું હતું કે, મોદી અને શાહે તેમને આર્ટિકલ 370 હટાવવાની વાતનું સમર્થન કરવાની વાત કહી હતી. એટલું જ નહીં ઝાકિર નાઈકને આ કામના બદલે તેમની સામે ચાલી રહેલા તમામ કેસ પણ બંધ કરવાની ઓફર કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ઝાકિર નાઈક પર મની લોન્ડ્રિંગના અનેક કેસ ચાલી રહ્યા છે અને તે ભારતમાંથી ફરાર છે. આ ઉપરાંત તે પોતાના વિવાદિત નિવેદનોને લીધે પણ ચર્ચામાં રહ્યા છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ અને દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ ઝાકિર નાઈકના ટ્રસ્ટમાંથી ફાયદો મેળવી રહી છે. કોંગ્રેસ અને નાઈક વચ્ચે હંમેશાથી સારા સંબંધો રહ્યા છે. હવે દિગ્વિજયે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. એટલું જ નહીં ભાજપે એવો પણ આરોપ લગાવ્યો કે, દિગ્વિજય સિંહ પોતે ઝાકિર નાઈકને શાંતિ દૂત ગણાવતા આવતા રહ્યા છે.

આ આરોપો પર જવાબ આપતા દિગ્વિજય સિંહે કહ્યું કે, સપ્ટેમ્બર 2019માં ઝાકિર નાઈકે એક નિવેદનમાં કહ્યું હતું કે, મોદી અને શાહે તેમનો એક સંદેશાવાહક(મીડિયેટર) મોકલ્યો હતો. જેના માધ્યમથી ઝાકિર નાઈકને કહેવામાં આવ્યું હતું કે તે આર્ટિકલ 370 હટાવવાના સમર્થન કરે. એના બદલામાં સરકાર એની સામેના બધા કેસ બંધ કરી દેશે અને એને ભારતમાં આવવા દેશે. મોદીએ ને શાહે આ બયાનની નિંદા કેમ ન કરી? દિગ્વિજય સિંહે ઝાકિર નાઈકનો એક વિડિયો ટ્વીટર પર શેર કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર હુમલો બોલ્યો હતો. ભાજપે આ સામે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ પોતે જાકિર નાઈક પાસેથી ફંડ લે છે. દિગ્વિજિય સિંહે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય સત્તાવાર રીતે ઝાકિર નાઈકનું સમર્થન નથી કર્યું, પણ એમણે એ વાત સ્વીકારી કે મુંબઈમાં એકવાર એમણે નાઈકના મંચ પરથી સાંપ્રદાયિક સદભાવ સંમેલનને સંબોધન આપ્યું હતું.

ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ મુદ્દે કહ્યું કે હું મોદી અને શાહની ટીમનો માણસ છું પણ મને નાઈકસંબંધિત કોઈ જાણકારી નથી. દિગ્વિજય સિંહ ખોટી અફવા ફેલાવી દેશનું વાતાવરણ ખરાબ કરી રહ્યા છે.