એમેઝોન ભારતમાં લઘુ ઉદ્યોગો માટે અબજ ડોલર ઈન્વેસ્ટ કરશે

મુંબઈ – એમેઝોન.કોમ કંપનીના વડા જેફ બેઝોસે જાહેરાત કરી છે કે એમની કંપની ભારતમાં લઘુ તથા મધ્યમ સ્તરના ઉદ્યોગોને ઓનલાઈનમાં મદદરૂપ થવા એક અબજ ડોલર (રૂ. 7000 કરોડથી વધુ)નું મૂડીરોકાણ કરશે. આ ઉપરાંત કંપની ભારતમાં-નિર્મિત 10 અબજ ડોલરની કિંમતની (મેક ઈન ઈન્ડિયા)ચીજવસ્તુઓની 2025 સુધીમાં નિકાસ કરવા કટિબદ્ધ છે એવું પણ તેમણે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ઓનલાઈન રીટેલ ગ્લોબલ કંપનીએ ભારતમાં અગાઉ 5.5 અબજ ડોલરની કિંમતનું મૂડીરોકાણ કરવાનું વચન આપ્યું હતું. અમેરિકાની બહાર ભારત દેશ એમેઝોનની સૌથી મહત્ત્વની માર્કેટ છે અને વ્યાપાર વૃદ્ધિ માટે અગ્રસર દેશ છે.

એમેઝોન કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર બેઝોસ ભારતની ત્રણ-દિવસની મુલાકાત માટે આવ્યા છે. એમણે તેમની આ મુલાકાતનો આરંભ આજે સવારે અહીં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક ખાતે દર્શન કરીને કર્યો હતો. ત્યારબાદ એમણે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે આયોજિત એમેઝોન SMBhav શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલન એમેઝોન ઈન્ડિયા દ્વારા લઘુ તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો માટે મિલન સમારંભ તરીકેનો હતો.

 

બેઝોસે કહ્યું કે અમે ભારતના લાંબા ગાળાના ભાગીદાર બની રહેવા પ્રતિબદ્ધ છીએ. હવે પછીના પાંચ વર્ષમાં એમેઝોન ભારતભરમાં સૂક્ષ્મ તથા લઘુ ઉદ્યોગોને ડિજિટાઈઝ કરવા માટે 1 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. કંપની આ ઉદ્યોગોને એ રીતે વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ થશે. આ નિર્ણયને પગલે એમેઝોન 2025ની સાલ સુધીમાં ભારતમાંથી મેક ઈન ઈન્ડિયા ચીજવસ્તુઓની 10 અબજ ડોલરની કિંમતની નિકાસ કરશે.

બેઝોસે કહ્યું કે એમેઝોનના આ મૂડીરોકાણથી ભારતમાં સમૃદ્ધિ વધશે અને લાખો લોકોને એમાં આવરી શકાશે.

કંપનીએ અગાઉ એવી જાહેરાત કરી હતી કે એના ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ અંતર્ગત 2023ની સાલ સુધીમાં ભારતમાંથી પાંચ અબજ ડોલર જેટલી ઈ-કોમર્સ નિકાસ કરશે.

એમેઝોનના સ્થાપક બેઝોસે કહ્યું કે, 21મી સદી ભારતની સદી બની રહેવાની છે. આ દેશમાં કંઈક વિશેષ છે, એ છે તેનું સાહસીપણું. 21મી સદીમાં સૌથી મહત્ત્વનો સહયોગ ભારત અને અમેરિકા વચ્ચેનો બની રહેશે.

બેઝોસ ભારતમાંના રોકાણ દરમિયાન અનેક ટોચના સત્તાધિશો તથા ઉદ્યોગક્ષેત્રના મહારથીઓને મળશે એવી ધારણા છે.

જોકે એમેઝોન અને અમેરિકાસ્થિત વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓથી ભારતનાં નાના સ્ટોર્સના માલિકો-વેપારીઓ નારાજ છે અને તેઓ બેઝોસની મુલાકાત સામે દેશના 300 જેટલા શહેરોમાં વિરોધ નોંધાવવાના છે. આ વેપારીઓએ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ સંસ્થા બનાવી છે.

બેઝોસ છેલ્લે 2014માં ભારતની મુલાકાતે આવ્યા હતા. એ વખતે તેમણે એમેઝોનની ભારતીય પેટા-કંપનીને રૂ. બે અબજ ડોલરનો ઈન્વેસ્ટમેન્ટનો ચેક આપ્યો હતો.

એમેઝોન તેની યોજના અંતર્ગત ભારતના શહેરો અને ગામડાઓમાં 100 ડિજિટલ હાટ્સની રચના કરવાની છે.

હાલ ભારતમાં એમેઝોન ઈન્ડિયા માર્કેટપ્લેસ પર સાડા પાંચ લાખથી વધુ સેલર્સ છે અને કંપની 60 હજારથી વધારે ભારતીય ઉત્પાદનો તથા બ્રાન્ડ્સની દુનિયાભરમાં નિકાસ કરે છે.