નવી દિલ્હી- પાડોશી દેશ પાકિસ્તાનમાં ભલે નવી સરકાર બનવા જઈ રહી હોય, પરંતુ આતંકવાદને લઈને તેની નીતિઓ અંગે બદલાવના કોઈ સંકેત મળી રહ્યાં નથી. મળતી માહિતી મુજબ ઈમરાન ખાન આગામી 11 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન પદની શપથ લેશે. તો બીજી તરફ ભારતીય ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે, 15 ઓગસ્ટ એટલે કે, સ્વતંત્રતા દિવસે પાકિસ્તાની ત્રાસવાદીઓ ભારતીય સેનાના કેમ્પ પર મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે.મળતી માહિતી મુજબ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 20થી વધુ આતંકી ભારતમાં આર્મી કેમ્પ પર હુમલા માટે તૈયાર છે. જે અંગે પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર પુરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં બે અહેવાલો મળી રહ્યાં છે કે, નિયંત્રણ રેખા નજીક (LoC) ચૂરા વિસ્તાર પાસે કેટલાક આતંકી જોવા મળ્યા છે, જેને તંગધાર વિસ્તારના આર્મી કેમ્પ પર હુમલો કરવા માટે મોકલવામાં આવ્યા છે.
અન્ય માહિતી મુજબ કેટલાંક આતંકી સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી ગયા છે અને હાલમાં તેઓ રેકી કરી રહ્યાં છે. આ વાત સેટેલાઈટ ફોનથી ધ્યાનમાં આવી છે. અન્ય એક રિપોર્ટ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને લઈને છે. જૈશના આતંકીઓને બારામુલા વિસ્તારમાં હુમલા માટે રવાના કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, હુમલા માટે આતંકીઓ સ્થાનિકોની મદદ લઈ શકે છે.