કશ્મીરી અલગતાવાદીઓએ બંધની હાકલ કરતાં અમરનાથ યાત્રા કામચલાઉ રોકી દેવાઈ

શ્રીનગર – કશ્મીર ખીણવિસ્તારમાં અલગતાવાદીઓએ કલમ 35-Aની તરફેણમાં વિરોધ-દેખાવ કરવાની હાકલ કરતાં અમરનાથ યાત્રા કામચલાઉ રીતે અટકાવી દેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, સાવચેતીના પગલા તરીકે અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે.

ઉક્ત કલમ જમ્મુ અને કશ્મીરની બહારના લોકોને આ રાજ્યમાં પ્રોપર્ટી ખરીદતા રોકે છે, પણ હવે આ કલમને કાયદેસર રીતે પડકારવાની હિલચાલ શરૂ થઈ છે. અનેક અલગતાવાદી જૂથો આ હિલચાલ સામે વિરોધ કરી રહ્યા છે.

રાજ્યની બહારના લોકોને જમ્મુ અને કશ્મીરમાં પ્રોપર્ટી ખરીદતા રોકવાની આ કલમ હેઠળ રાજ્યના પ્રશાસનને વિશિષ્ટ સત્તા આપવામાં આવી છે.

સત્તાવાળાઓએ અમરનાથ યાત્રાને બે દિવસ માટે અટકાવી દેવાનો આજે નિર્ણય લીધો છે.

જમ્મુમાં ભગવતી નગર યાત્રી નિવાસેથી આજે કોઈ પણ યાત્રાળુને આગળ વધવા દેવામાં આવ્યા નથી.

ઉધમપુર અને રામબનમાં સ્પેશિયલ ચેક-પોસ્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. એનો હેતુ જમ્મુ-શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રીઓની કોઈ પણ પ્રકારની હિલચાલ ન થાય એની તકેદારી રાખવાનો છે, કારણ કે આ હાઈવે ઉધમપુર અને રામબન જિલ્લાઓમાંથી પાસ થાય છે.

જોકે ખીણવિસ્તારના બલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ્સ ખાતેનાં યાત્રાળુઓ યાત્રા ચાલુ રાખી શકશે.

ગઈ 28 જૂનથી વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2 લાખ 71 હજાર લોકો પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કરી ચૂક્યાં છે.

આવતી 26 ઓગસ્ટે શ્રાવણી પૂર્ણિમા પર્વ સાથે આ યાત્રાની પૂર્ણાહુતિ થશે.