INS કલવરીનો નેવીમાં કરાયો સમાવેશ, દેશની વધશે તાકાત

મુંબઈ- પીએમ નરેન્દ્ર મોદીએ મુંબઈના ડોકયાર્ડ ખાતે આધુનિક સબમરીન INS કલવરી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રસંગે રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યાં હતા. ભારતની દરિયાઈ સરહદમાં ચીન અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ઘુસણખોરીને અટકાવવા INS કલવરી સબમરીન ઘણી મહત્વની કામગીરી બજાવશે.

1564 ટનનું વજન ધરાવતી આ સબમરીનનું નિર્માણ ‘પ્રોજેક્ટ-75’ અંતર્ગત કરવામાં આવ્યું છે. ફ્રાંસની કંપનીના સહયોગથી બનાવવામાં આવેલી કલવરી સબમરીન પીએમ મોદીના મેકઈન ઈન્ડિયા પ્રોજેક્ટનું ઉત્તમ ઉદાહરણ છે. કલવરી એક ડીઝલ ઈલેક્ટ્રિક યુદ્ધ સબમરીન છે. જેને ભારતીય નેવી માટે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. કલવરી સ્કોર્પિન શ્રેણીની 6 પૈકી એ પ્રથમ સબમરીન છે, જેનો ભારતીય નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ કલવરી સબમરીન દુશ્મનની નજર બચાવીને પણ ટાર્ગેટ પર પ્રહાર કરવા સક્ષમ છે. જે ટોરપીડો અને એન્ટીશિપ મિસાઈલથી હુમલો કરી શકે છે. કલવરીનું પ્રાથમિક લક્ષ્યાંક દરિયાઈ માર્ગે ચાલતા દુશ્મનોના વેપાર અને ઉર્જા માર્ગો પર નજર રાખવાનું અને પોતાના ક્ષેત્રના યુદ્ધ ઉપકણોની રક્ષા કરવાનું છે.

કલવરી સબમરીનનો ભારતીય નેવીમાં સમાવેશ કરવાથી ભારતીય નેવી માટે આધુનિક સબમરીનની 17 વર્ષથી જોવાતી રાહનો અંત આવ્યો છે. હાલમાં ભારતીય નેવીમાં 13 વર્ષ જૂની સબમરીન છે, જેમાંથી અડધાથી વધુ નિષ્ક્રિય થઈ છે. આ સ્થિતિમાં ઈન્ડિયન નેવીને મજબૂત બનાવાની દ્રષ્ટિથી કલવરીનો સમાવેશ મહત્વપૂર્ણ પગલું છે.