નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્પષ્ટતાઃ અમરનાથ મંદિર ‘સાઈલન્ટ ઝોન’ નથી

નવી દિલ્હી – નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સંસ્થાએ અમરનાથ ગુફાની અંદર મંત્રોચ્ચાર કરવા કે ઘંટારવ કરવા પર મનાઈ દર્શાવતા તેના નવા નિયમો અંગે આજે સ્પષ્ટતા કરી છે. એણે કહ્યું છે કે અમરનાથ મંદિરને સાઈલન્ટ ઝોન ઘોષિત કરાયો નથી અને નવા નિયમો અંતર્ગત નિયંત્રણો આરતી તથા અન્ય ધાર્મિક ક્રિયાઓને લાગુ પડતાં નથી.

વિશ્વ હિન્દુ પરિષદે દક્ષિણ કશ્મીરમાં હિમાલય પર્વતમાળામાં આવેલા અમરનાથ ગુફા મંદિરને નવા નિયમોને ‘તુઘલકી ફતવા’ તરીકે ઓળખાવીને ટીકા કર્યા બાદ એનજીટી સંસ્થા તરફથી ઉપર મુજબની સ્પષ્ટતા કરવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે પૃથ્વી ઉપર પર્યાવરણની દરેક પ્રકારની સમસ્યા માટે કંઈ હિન્દુઓ જવાબદાર નથી.

ટ્રિબ્યુનલે કહ્યું છે કે નિયંત્રણ માત્ર શિવલિંગની નજીકની જગ્યાને જ લાગુ પડે છે. એક તરફની લાઈન જાળવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રિબ્યુનલે બુધવારે અમરનાથ શ્રાઈન બોર્ડને એવો આદેશ આપ્યો હતો કે મંદિરમાં કોઈ પ્રકારના મંત્રોચ્ચાર કે જયકાર ન થાય એની તે તકેદારી રાખે.

કોર્ટે ઉક્ત બોર્ડને વધુમાં એમ પણ કહ્યું હતું કે છેલ્લા ચેકપોસ્ટથી અમરનાથ ગુફા સુધી લોકો એક જ લાઈનમાં ચાલે એની પણ તકેદારી લેવી.

એનજીટીના ચેરમેન ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે બરફથી બનતા શિવલિંગની સમક્ષ શાંતિ જળવાવી જોઈએ.

એનજીટીએ પર્યાવરણની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને અમરનાથ ગુફા મંદિરને શાંત-ક્ષેત્ર ઘોષિત કર્યો છે.

અમરનાથ ગુફા મંદિરની ગણના હિન્દુઓનાં મોટા પવિત્ર તીર્થસ્થળોમાં કરવામાં આવે છે. વર્ષમાં ઘણો ખરો ભાગ આ ગુફા બરફથી છવાયેલી રહે છે. માત્ર ઉનાળાની ઋતુમાં અમુક દિવસોએ અહીંયા બરફ હોતો નથી અને ત્યારે શ્રદ્ધાળુઓ માટે એ ગુફા-મંદિરને ખુલ્લું મૂકવામાં આવે છે.