ભારત-ચીનના વિદેશપ્રધાનો તણાવ ઓછો કરવા પાંચ મુદ્દા પર સહમત

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે જારી રહેલા તનાવની વચ્ચે બંને દેશોના વિદેશપ્રધાનોની વચ્ચે થયેલી વાતચીત પછી LAC (લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) પર ટેન્શન ઓછું કરવા માટે પાંચ મુદ્દાઓ પર સહમતી બની છે. ભારતે ચીનને કહ્યું હતું કે ચીની સેનાની ઉશ્કેરણીપૂર્વકની કાર્યવાહી દ્વિપક્ષી સમજૂતીનું ઉલ્લંઘન દર્શાવે છે. વિદેશપ્રધાન એસ જયશંકર અને ચીની વિદેશપ્રધાન વાંગ ચીની વચ્ચે ગઈ કાલે મોસ્કોમાં બે કલાક લાંબી ચાલેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી બંને દેશો સીમા વિવાદ ઘટાડવા માટે સહમત થયા છે. બંને દેશોની વચ્ચે પાંચ સૂત્રીય ફોર્મ્યુલા પર સહમતી બની છે.

ભારત-ચીન વચ્ચે નીતિ પર કોઈ ફેરફાર નહીંમોસ્કોમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારત LAC પર જારી તનાવને વધુ વધારવા નથી ઇચ્છતો, વળી ભારતનું માનવું છે કે ચીન માટે ભારતની નીતિમાં અને ભારત પ્રતિ ચીનની નીતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો.

ભારત-ચીન વચ્ચે જે પાંચ મુદ્દે સહમતી બની છે, એ નીચે મુજબ છે…

  • આપસી મતભેદોને વિવાદ નહીં બનાવવામાં આવે.
  • બંને દેશોની સેનાઓ વિવાદવાળાં ક્ષેત્રોથી પાછળ હટશે.
  • બંને દેશો વચ્ચે નક્કી કરેલી પદ્ધતિ અનુસાર વાટાઘાટ જારી રાખશે.
  • હાલની સંધિઓ અને પ્રોટોકોલ્સને બંને દેશો અનુસરશે.
  • બંને દેશો એવું કોઈ પગલું નહીં ભરે, જેનાથી ટેન્શન વધે.

 

બંને દેશોના વિદેશપ્રધાનોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે બંનો પક્ષોએ ભારત-ચીન સંબંધોને વિકસિત કરવા પર બંને દેશોના નેતાઓની વચ્ચે સર્વસંમતિ બનાવવાની ચાલી આવેલી પરંપરાથી માર્ગદર્શન લેવું જોઈએ, જેમાં મતભેદોને વિવાદ ના બનાવવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે  ભારત અને ચીનની કૂટનીતિ અને સૈન્યના વિવિધ સ્તરે એકબીજાના સંપર્કમાં છે અને સમસ્યાના સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે. ભારત સીમા સમયસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે.