નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ભારતનો કોરોનાવાઈરસ (કોવિડ-19)થી થયેલા મરણનો મૃત્યુદર હાલ 2.5 ટકા છે અને તે વિશ્વમાં સૌથી ઓછો છે.
સરકારે દાવો કર્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોના સહિયારા પ્રયાસોને કારણે કોરોના મૃત્યુદર આટલો નીચો રહી શક્યો છે. તમામ સરકારો અને વહીવટીતંત્રોએ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કેસોને કુશળતાપૂર્વક સંભાળ્યા છે એટલે જ દેશમાં આ રોગચાળાથી થયેલા મરણનો આંક નીચો રહી શક્યો છે.
આરોગ્ય મંત્રાલયે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે રોગને કાબૂમાં રાખવા માટેની અસરકારક વ્યૂહરચના, આક્રમક ટેસ્ટિંગ પ્રક્રિયા તથા દર્દીની સંપૂર્ણ કાળજી લેવાના અભિગમના આધારે હાથ ધરવામાં આવેલા ક્લિનિકલ મેનેજમેન્ટ નિયમોને કારણે જીવહાનિનો દર નોંધપાત્ર રીતે નીચો રહ્યો છે.
કેસ ફેટાલિટી રેટ સતત નીચે જતો જોવા મળ્યો છે. હાલ એ 2.49 ટકા છે, અને વિશ્વમાં આ દર સૌથી નીચો છે.
આરોગ્ય મંત્રાલયે એ વાતની નોંધ લીધી છે કે ઘણા રાજ્યોએ વૃદ્ધજનો, ગર્ભવતી સ્ત્રીઓ તથા એક કરતાં વધારે બીમારીઓમાં સપડાયેલા હોય એવા લોકોને શોધી કાઢવા તથા સર્વેક્ષણ હાથ ધરીને મૃત્યુદરને નીચો રાખવામાં મોટો ભાગ ભજવ્યો છે.
પ્રશાસનોએ મોબાઈલ એપ્સ જેવા ટેક્નિકલ સોલ્યૂશન્સની મદદ સાથે એવી વસ્તીઓ પર સતત દેખરેખ રાખી હતી જ્યાં આ મહામારીનું જોખમ સૌથી વધારે હતું. એવા વિસ્તારોને ત્વરિત ઓળખી કાઢી, સમયસર તબીબી સારવાર પૂરી પાડીને મૃત્યુદરને ઓછો રાખી શકાયો છે.
અમેરિકા, બ્રાઝિલ, રશિયા, પેરુ, ચિલી, મેક્સિકો, સાઉથ આફ્રિકા, બ્રિટન, ઈરાન, પાકિસ્તાન, સ્પેન જેવા દેશોમાં ભારત કરતાં આઠ ગણા વધારે કોરોના કેસો નોંધાયા છે અને મરણાંક ભારત કરતાં 14 ગણો વધારે છે.
રવિવાર સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના કેસોની સંખ્યામાં 38,902 નવા કેસનો રેકોર્ડ ઉછાળ નોંધાયો હતો. આ રોગના કુલ કેસોની સંખ્યા 10,77,618 પર પહોંચી છે. તો 6,77,422 જણ સાજા પણ થઈ ગયા છે. ભારતમાં આ રોગચાળાથી થયેલા મરણનો આંક 26,816 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 543 મરણ નોંધાયા હતા. તો 23,672 દર્દીઓ સાજા થઈ ગયા હતા.