તિરુવનંતપુરમ – દુબઈ ગયેલા પોતાના 11 પરિવારજનો સાથેનો સંપર્ક બે અઠવાડિયા પહેલાં તૂટી ગયા બાદ કેરળસ્થિત સગાંવહાલાઓએ ફરિયાદ નોંધાવી છે કે એમને ડર છે કે એમનાં પરિવારજનો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ ગયા હશે.
દુબઈમાં મોબાઈલ ફોન રીપેરિંગની દુકાન ચલાવનાર મોહમ્મદ સબદ નામનો માણસ એની બે પત્ની અને આઠ બાળકો સાથે ગૂમ થઈ ગયો છે.
સબદની પત્નીનાં એક સગાએ કહ્યું કે મોહમ્મદ સબદ કટ્ટરવાદી બની ગયો હોય એવું લાગતું હતું અને એ ‘જેહાદ’ની વાતો કરતો હતો.
કેરળમાં ઉપલા મધ્યમ વર્ગના અને સુરક્ષિત પરિવારોના વધુમાં વધુ 21 જણ 2016ની સાલમાં શંકાસ્પદ હાલતમાં લાપતા થયા હતા. હાલમાં લાપતા થયેલા કેરળવાસીઓનાં સગાંઓને ડર છે કે એ લોકો 2016માં લાપતા થયેલા લોકોની સાથે ISISમાં જોડાઈ ગયાં હશે.
લાપતા થયેલા 11 જણ બે પરિવારના છે. પહેલી ફરિયાદ અબ્દુલ હમીદે નોંધાવી છે જે કાસરગોડ જિલ્લાના ચેમનાડના રહેવાસી છે. એમણે જણાવ્યું છે કે એમની 28 વર્ષીય પુત્રી નાઝીરા ગઈ 15 જૂનથી લાપતા છે. બીજી ફરિયાદમાં પાંચ જણના નામ આપવામાં આવ્યા છે જેમાં નાઝીરાનાં પતિ મોહમ્મદ સબદ (35), એની બીજી પત્ની રહાનાથ (28) અને એમનાં ત્રણ બાળકો (બધાં છ વર્ષથી નીચેની વયનાં છે). કેરળ પોલીસે આ સંદર્ભમાં બે અલગ અલગ કેસ નોંધ્યા છે.