ભારત અનેક દેશોને કોરોનાની રસી પૂરી પાડશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ મહાબીમારીની રસી બનાવવાની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. સરકારી વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી, 2021માં દેશમાં કોવાક્સિન મળે એવી શક્યતા છે. કોરોના વેક્સિન વિશે માહિતી આપતાં વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ કહ્યું હતું કે અમે કેટલાક સાથી દેશો સાથે મળીને કોરોના વેક્સિનના ટ્રાયલના સંચાલનની સંભાવના શોધી રહ્યા છીએ. અમે વેક્સિન બનાવવા માટે ઉત્સુક છીએ.  શ્રૃંગલાએ કહ્યું હતું કે વેક્સિનનો પુરવઠો પ્રાપ્ત કરવા માટે અનેક દેશો આપણો સંપર્ક કરી રહ્યા છે. ભારત વેક્સિનના વિતરણ માટે પોતાની કોલ્ડ ચેઇન અને સ્ટોરેજ ક્ષમતા વધારવામાં ઇચ્છુક દેશોને મદદ કરશે.

ફેબ્રુઆરી સુધી કોવાક્સિન લોન્ચ થવાની શક્યતા

કોરોના વેક્સિન આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી આવવાની શક્યતા છે. સરકારી વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી, 2021માં દેશમાં કોવાક્સિન મળે એવી સંભાવના છે. આ વેક્સિન સંપૂર્ણ રીતે સ્વદેશી હશે. ભારતની આ ઝડપને દુનિયાના દેશો મોટી સફળતા તરીકે માની રહ્યા છે.

એક વરિષ્ઠ સરકારી વૈજ્ઞાનિકે કહ્યું હતું કે વેક્સિનના અંતિમ તબક્કાનું પરીક્ષણ આ મહિને શરૂ થઈ જશે. કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સભ્ય અને ICMR વૈજ્ઞાનિક રજની કાંતે કહ્યું હતું કે અત્યાર સુધી તમામ સંશોધનથી માલૂમ પડે છે કે વેક્સિન સુરક્ષિત છે અને અસરકારક છે. આશા છે કે આવતા વર્ષના પ્રારંભે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધી વેક્સિન મળી જશે.