નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનની સાથે ઘર્ષણ પર ભારતે ચીનને ચેતવણી આપતા કહ્યું કે, બળનો સહારો લઈને જમીન પર સ્થિતિન બદલવાનો પ્રયત્ન ન માત્ર બોર્ડર પરના ક્ષેત્રોમાં સ્થિત શાંતિને નુકસાન પહોંચાડશે પરંતુ આની વ્યાપક અસર દ્વિપક્ષીય સંબંધો પર પણ થશે અને અમે જવાબ પણ આપી શકીએ છીએ. ભારતે માંગ કરી કે, બેજિંગ પૂર્વ લદ્દાખમાં પોતાની ગતિવિધિઓને રોકી દે.
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ મીડિયાને માહિતી આપતા કહ્યું કે, નિયંત્રણ રેખા પર ચીન માટે સૈન્ય ગતિરોધને સમાપ્ત કરવાની એક માત્ર રીત એ છે કે ત્યાં નિર્માણ બંધ કરવું. તેમણે કહ્યું કે, ગલવાન ઘાટી પર ચીનની સંપ્રભુતાનો દાવો ટકવા યોગ્ય નથી. આવી ખોટી રીતે કરવામાં આવેલા દાવાઓથી કોઈ મદદ મળવાની નથી. જમીન સ્તર પર સ્થિતિને બદલવાના ચીનના પ્રયત્નોથી દ્વિપક્ષીય સંબંધો પર અસર પડશે અને ચીનને જવાબ પણ મળશે.
ભારતના રાજદૂતે કહ્યું કે, દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે બોર્ડર પર શાંતિ અને સ્થિરતા બનાવી રાખવી તે અનિવાર્ય શરત છે. જમીન સ્તર પર ચીનની સેનાની કાર્યવાહીએ દ્વિપક્ષીય સંબંધોમાં વિશ્વાસને ખૂબ ઠેસ પહોંચાડી છે. ચીનને ભારતીય સેનાના પેટ્રોલિંગમાં અવરોધ ઉત્પન્ન કરવાનું બંધ કરવું જોઈએ. ભારતે હંમેશા નિયંત્રણ રેખાના ભારતીય વિસ્તારમાં જ પોતાની ગતિવિધિઓને કરી છે. ચીનને બોર્ડરનું ઉલ્લંઘન કરવા અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય વિસ્તારમાં નિર્માણને બંધ કરવું પડશે.
વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, દ્વિપક્ષીય સંબંધોનું સતર્કતાથી ધ્યાન રાખવું, ચીનની પૂરી જવાબદારી છે અને તેણે એ નક્કી કરવાનું છે કે, કઈ દિશામાં આગળ વધવું જોઈએ.



