નાણાકીય દબાણની ચિંતા છોડી અર્થતંત્રને સંકટમાંથી બહાર કાઢોઃ નાણાં પંચ

નવી દિલ્હીઃ કોવિડ-19ને લીધે મોટી નાણાકીય કટોકટીમાં ફસાયેલી કેન્દ્ર સરકારને 15મા નાણાં પંચે મોટી રાહત આપી છે. આવા સમયે જ્યારે સરકાર પર મોટાં દેવાં કરવાનું જોખમ વધી રહ્યું છે, ત્યારે પંચે સરકારને સ્પષ્ટ કહ્યું છે કે એણે દેવાં અને નાણાકીય દબાણની ચિંતા કર્યા વગર અર્થતંત્રને સંકટમાંથી કેવી રીતે ઉગારવું એના પર ધ્યાન આપવાની જરૂર છે.

 કોરોનાની દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર

નાણાં પંચના ચેરમેન એન. કે. સિંહે સલાહકાર પરિષદની બેઠકમાં કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય- બંને સરકર પર ભારે નાણાકીય દબાણ છે અને બંને તરફ જમા આવક ઘણી ઓછી દેખાઈ રહી છે. નાણાં પંચે સલાહકાર પરિષદની સાથે ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કૃષિ મંત્રાલયની સાથે બેઠકો કરી. સલાહકાર પરિષદના સભ્યોએ કહ્યું હતું કે કોરોનાની દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડશે અને એનાથી દેશની આવક પણ પ્રભાવિત થશે.

કોરોના મહામારીની અસર બહુ ઘેરી

સલાહકાર પરિષદે કેન્દ્ર અને રાજ્ય સરકારોની કરવસૂલાતની આવકમાં, અર્થતંત્રમાં આવેલી અડચણોને કારણે પ્રતિકૂળ અસરો પર ચર્ચા કરી હતી. પરિષદના કેટલાક સભ્યોએ કહ્યું હતું કે કોરોના મહામારીની અસર બહુ ઘેરી પડી શકે છે. સલાહકાર પરિષદના સભ્યોએ બેઠકમાં કહ્યું હતું કે આગળ વધવામાં મોટી અનિશ્ચિતતા છે અને પાંચ વર્ષના સમયગાળા માટે રાજકોષીય હસ્તાંતરણને તૈયાર કરવામાં પંચ સામે મોટા પડકારો હશે. સલાહકાર પરિષદની સાથે પંચ આર્થિક અને રાજકોષીય મોરચા પરના ઊભરતા સંકેતોને બારીકીથી નિગરાની કરશે, જેથી સર્વોત્તમ સંભવ મૂલ્યાંકન કરી શકાય.

PMGSY હેઠળ અત્યાર સુધી 5,50,528 કિલોમીટર લાંબા રસ્તાઓનું નિર્માણ

સિંહની અધ્યક્ષતામાં થયેલી બેઠકકમાં પંચે બધા સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. 15મા નાણાં પંચે પોતાના સભ્યોની સાથે ગ્રામીણ વિકાસપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને તેમના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) રસ્તાના જાળવણી પર 2020-21 માટે એના રિપોર્ટમાં FC-15 દ્વારા આપવામાં આવેલી સામાન્ય રૂપરેખા પર ગ્રામીણ વિકાસ મંત્રાલયની સાથે બેઠક આયોજિત કરી હતી. 15મા નાણાં પંચે વર્ષ 2020-21 માટે રિપોર્ટમાં કહ્યું છે કે ગ્રામીણ રસ્તા ગ્રામીણ વિકાસ માટે જરૂરી છે અને ગરીબી નિવારણની પહેલ તરીકે નોંધપાત્ર માનવામાં આવે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) હેઠળ અત્યાર સુધી 5,50,528 કિલોમીટર લાંબા રસ્તાઓનું નિર્માણ થયું છે અને તમામ પાત્રતા વસતિઓને 89 ટકા એનાથી જોડવામાં આવી ચૂકી છે.