નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં આજે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે તાજેતરમાં જ ભારતીય મૂળના રિશી સુનકના ઈંગ્લેન્ડના વડાપ્રધાન બનવાના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા. 1947 પહેલા બસો વર્ષ સુધી ‘Indians and Dogs are not allowed’ લખેલા બોર્ડ અંગ્રેજોના અનેક કાર્યાલયો પર જોવા મળતા જ્યારે આજે ઈંગ્લેન્ડના સત્તાવાર પ્રધાનમંત્રી આવાસમાં આ બંને માનભેર બિરાજે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બહુમાન માત્ર UKના પ્રધાનમંત્રી પૂરતું જ મર્યાદિત નથી રહ્યું. સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માત્ર ભારત સુધી જ સીમિત નથી, UKમાં હાઇ કમિશન દ્વારા વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર હોય તેવા ભારતીય મૂળની પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
કહેવાય છે કે આજે દુનિયામાં દરેક સાતમી વ્યક્તિ ભારતીય છે. UKમાં ભારતીયો માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ પૈકી નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યુનિયન યુકે (NISAU UK) દ્વારા ભારતમાં બ્રિટિશ કાઉન્સિલના સહકાર સાથે ‘ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ’ નામના એક કાર્યક્રમની જાહેરાત કરી છે જે અંતર્ગત 75 ભારતીય વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શિક્ષણ, વ્યાવસાયિકો અને સમાજને મહત્ત્વનું યોગદાન આપવા માટે તેમને સન્માનિત કરશે.
NISAU UKના ફાઉન્ડર અને પ્રમુખ સનમ અરોરા દ્વારા આ માટે વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તેમજ મિડિયા હાઉસની મદદથી ખૂબ જ સક્રિયપણે નામાંકન મેળવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. તે અંતર્ગત #75at75 હેશટેગ પણ જાહેર કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમને સંલગ્ન તમામ માહિતી એક સાથે મળી શકે. UKના સમય અનુસાર 10 નવેમ્બર, 2022 રાત્રે 23.59.59 કલાક સુધીમાં કરેલી તમામ અરજી આ બહુમાન માટે રિવ્યુ કરવામાં આવશે.
ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સના બહુમાન માટે પોતાના કે અન્યના નામની અરજી કરવા આ વેબસાઇટ પર માહિતી ઉમેરવાની રહે છે: http://www.achieversshowcase.com/
ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ માટે નામની અરજી કરવા માટે વ્યક્તિના આ માપદંડો પરિપૂર્ણ થવા જરૂરી છે:
- UKની કોઈ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં વર્તમાન અથવા ભૂતપૂર્વ વિદ્યાર્થી
- 15 ઓગસ્ટ 2023ના રોજ 49 વર્ષ કે તેથી ઓછી ઉંમરની વ્યક્તિ
- ભારતીય પાસપોર્ટ ધરાવનાર UK નિવાસી
- પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર
ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ માટે કુલ પાંચ શ્રેણીઓ પૈકી નામની અરજી કરી શકાય છે:
- બિઝનેસ અને આંત્રપ્રન્યોરશીપ
- સરકાર, રાજકારણ, કાયદો અને સમાજ
- શિક્ષણ, સાયન્સ એન્ડ ઇન્નોવેશન
- મિડિયા અને જર્નાલિઝમ
- આર્ટ્સ,કલ્ચર, એન્ટરટેઇનમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ.
ઉપરોક્ત શ્રેણીની વિગતવાર માહિતી આ વેબસાઇટ પર મેળવી શકાશે: official website.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી કે ભૂતપૂર્વ વિદ્યાર્થી અરજી કરી શકે છે અને વ્યક્તિ પોતે કે તેમના મિત્રો કે પરિવારના સભ્યો જેતે વ્યક્તિ માટે અરજી કરી શકે છે. વિવિધ અગ્રણી યુનિવર્સિટીઓના કુલપતિઓની જ્યુરી આ અરજીમાંથી જેતે વિદ્યાર્થીની પસંદગી કરશે. આ અરજી પ્રક્રિયાનું પરિણામ નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશનરના આવાસ પર 10 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.