ભૂવનેશ્વરઃ ભારતે ઓડિશા રાજ્યના બાલાસોરમાં ધરતી પરથી આકાશમાં છોડી શકાય એવી MRSAM આર્મી મિસાઈલ સિસ્ટમનું આજે સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલે આકાશમાં લાંબા અંતરે અત્યંત ઝડપે જતા એક ટાર્ગેટનો પીછો કરીને એને અચૂક રીતે તોડી પાડ્યું હતું. મિસાઈલના આ સફળ પરીક્ષણથી DRDO વિભાગના વૈજ્ઞાનિકોમાં આનંદ છવાઈ ગયો છે. આ મિસાઈલ ભારતીય સેનાનો હિસ્સો છે.
ભારતે આ પહેલાં ગયા બુધવારે આંદામાન અને નિકોબારમાં જમીન પરથી જમીન પર વાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે અને મૂડીરોકાણ વધારી રહ્યું છે. ભારત સરકારનું ફોકસ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનું છે.
