સરકારની આર્થિક નીતિઓ સામેના વિરોધમાં બે-દિવસ હડતાળ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામેના વિરોધમાં કેન્દ્રી કામદાર સંગઠનોએ આજે અને આવતીકાલે, એમ બે દિવસ માટે ‘ભારત બંધ’ (દેશવ્યાપી હડતાળ)ની હાકલ કરી છે. તે અંતર્ગત બે દિવસ માટે બેન્ક કર્મચારીઓ પણ હડતાળ પાડશે, જેને કારણે બેન્કિંગ સેવાઓને માઠી અસર થઈ શકે છે. ઈન્ડિયન નેશનલ ટ્રેડ યૂનિયન કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ટ્રેડ યૂનિયન સેન્ટર, ટ્રેડ યૂનિયન કોઓર્ડિનેશન સેન્ટર, ઓલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ જેવા કેન્દ્રીય કામદાર સંઘોએ સાથે મળીને આ હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળમાં જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ પણ જોડાયાં છે. એને કારણે સરકારી બેન્કોની ઘણી ખરી શાખાઓ અને એટીએમ સેવાને બે દિવસ સુધી માઠી અસર પડી શકે છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશના ફેસબુક એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની કામદારો, કિસાનો અને આમ જનતા વિરોધી નીતિઓ સામેના વિરોધમાં પાડવામાં આવેલી હડતાળમાં બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓ પણ જોડાશે.

બેન્કિંગ સેક્ટર ઉપરાંત વીમા સેક્ટર, વીજળી સપ્લાય, રોડ કામકાજ અને ટ્રાન્સપોર્ટ કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયાં છે.