કોરોનાનો ગભરાટઃ ફ્રાન્સ, જર્મની, સ્પેનના નાગરિકોના વિઝા પણ સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ખતરનાક એવા કોરોના વાઈરસના ફેલાવાના રોકવા માટે લેવાયેલા પગલાંના ભાગરૂપે ભારત સરકારે તાત્કાલિક રીતે અસરમાં આવે એ રીતે ફ્રાન્સ, જર્મની અને સ્પેનમાંથી આવવા માગતા નાગરિકોને વિઝા આપવાનું હાલ સસ્પેન્ડ કર્યું છે.

11 માર્ચે કે તે પહેલાં ફ્રાન્સ, જર્મની અને સ્પેનના જે નાગરિકોના રેગ્યૂલર વિઝા અને ઈ-વિઝા ભારત સરકારે મંજૂર કર્યા હતા, એ તમામને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણેય દેશમાં કોરોના વાઈરસ ફેલાયો છે.

ભારત સરકાર આ પહેલાં ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, જાપાન અને ચીનના નાગરિકો માટેનાં વિઝા તથા ઈ-વિઝા સસ્પેન્ડ કરી ચૂકી છે. આમ તે યાદીમાં ફ્રાન્સ, જર્મની અને સ્પેનનો ઉમેરો કરાયો છે.

આ નિર્ણય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના અધ્યક્ષપદ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સરકારે બહાર પાડેલા નિવેદનમાં જણાવાયું છે કે જે વિદેશી નાગરિકોને વિઝા મંજૂર કરી દેવામાં આવ્યા છે, પણ તેઓ હજી ભારતમાં પ્રવેશ્યા નથી એમના વિઝા સસ્પેન્ડ કરી દેવાયા છે. જે વિદેશી નાગરિકો ભારતમાં પ્રવેશી ચૂક્યા છે એમના વિઝા માન્ય રહેશે. એમણે વિઝાની મુદત લંબાવવા માટે ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં જઈને મળવું.

સરકારે બીજો એક આદેશ એ બહાર પાડ્યો છે કે જે ભારતીય નાગરિકો ચીન, હોંગ કોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, ઈટાલી, થાઈલેન્ડ, સિંગાપોર, ઈરાન, મલેશિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવ્યા હોય એમણે તેમના ભારત આગમનની તારીખથી 14 દિવસ સુધીના સમયગાળા માટે સેલ્ફ-ક્વોરન્ટીન પ્રક્રિયા કરવી પડશે.

વધુમાં, સરકારે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે એમણે ફ્રાન્સ, જર્મની અને સ્પેનના પ્રવાસે જવાનું હાલ ટાળવું.

ભારતમાં કોરોના વાઈરસનાં 50થી વધારે કેસ નોંધાયા છે. અમેરિકાથી દુબઈ માર્ગે ભારત આવેલા 3 બેંગલુરુનિવાસીઓનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.