ઈટાનગર (અરૂણાચલ પ્રદેશ): તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર ડેમ બનાવવાની ચીને જાહેરાત કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. ચીનને વળતો જવાબ આપવા ભારતે અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં મોટો ડેમ બાંધવાનું નક્કી કર્યું છે. તે સ્થળે 10 ગીગાવોટનો હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ પણ નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બ્રહ્મપુત્ર નદી ચીનના સ્વાયત્ત પ્રદેશ તિબેટમાંથી નીકળીને અરૂણાચલ પ્રદેશ અને તેનાથી નીચે આસામમાંથી થઈને બાંગલાદેશ સુધી વહે છે.
અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી પર ડેમ બાંધવાથી દેશના પૂર્વોત્તર વિસ્તારોમાં પાણીની તંગી અને અચાનક પૂર આવવાના જોખમથી બચી શકાશે.
કેન્દ્રના જળશક્તિ મંત્રાલયના સિનિયર અધિકારી ટી.એસ. મેહરાએ કહ્યું છે કે ચીની ડેમની અવળી અસરોને ઘટાડવા માટે અરૂણાચલ પ્રદેશમાં એક ડેમ બાંધવાની જરૂર છે. અમે ભારત સરકારના ટોચના સત્તાધિશોને પ્રસ્તાવ મોકલી આપ્યો છે. આ ડેમ બની જશે તો ભારત પાસે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા અનેકગણી વધી જશે. આપણે ચીનની કોઈ પણ હરકતનો વળતો જવાબ આપી શકીશું. ચીન પહેલેથી જ તિબેટમાં 11,130 કરોડના ખર્ચે વિશાળ હાઈડ્રોપાવર મથક બનાવી ચૂક્યું છે. ચીનનો આ સૌથી મોટો બંધ છે. હવે તે તિબેટના મેડોગ વિસ્તારમાં ગ્રાન્ડ કેનિયન નામે નવો બંધ બાંધવા માગે છે. જેને ચીને સુપર હાઈડ્રોપાવર સ્ટેશન કહ્યું છે.