ભારત-નેપાળ વચ્ચે સરહદ-પાર ટ્રેન સેવા શરૂ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ બંને દેશને જોડતી ટ્રેનસેવાનું ઉદઘાટન કર્યું છે. આ પેસેન્જર ટ્રેન ભારતના જયનગર અને નેપાળના કુર્થા સ્ટેશન વચ્ચે શરૂ કરાઈ છે. આ ટ્રેન શરૂ થવાથી નેપાળનું જનકપુર ધામ હિન્દુઓની યાત્રાનું કેન્દ્રીય આકર્ષણ બનશે. આ સ્થળ સીતાજીનું જન્મસ્થળ હોય એવું કહેવાય છે. નેપાળમાં શરૂ કરાયેલી આ પહેલી જ બ્રોડ ગેજ પેસેન્જર ટ્રેન સેવા છે.

બંને નેતાએ અહીં સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે બંને દેશ વચ્ચે તમામ ક્ષેત્રોમાં વ્યાપાર તથા સરહદ પારથી સંપર્ક પહેલને પ્રાધાન્ય આપવા અમે સહમત થયા છીએ. આની શરૂઆત જયનગર અને કુર્થા રેલવે લાઈનથી કરવામાં આવી છે. આ ટ્રેન સેવા રૂ. 784 કરોડના ખર્ચે શરૂ કરાઈ છે. કુલ રેલવે લાઈન 68.72 કિ.મી.ની છે. જેમાંનો 2.975 કિ.મી. ભાગ ભારતમાં છે અને 65.745 કિ.મી. ભાગ નેપાળમાં છે. આ ટ્રેન બિહારના મધુબી જિલ્લામાંથી પસાર થશે અને નેપાળમાં દાનુશા, મહોતારી અને સિરહા જિલ્લાઓમાંથી પસાર થશે.