પહેલી-એપ્રિલથી GPF સહિત IT નિયમોમાં થયેલા ફેરફાર લાગુ

નવી દિલ્હીઃ નવા નાણાકીય વર્ષ 2022-23ના પ્રારંભ પછી કેન્દ્રીય બજેટ-2022માં જાહેર થયેલા વિવિધ આવકવેરાના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર લાગુ થઈ ગયા છે, એમાં નવા નિયમ મુજબ રૂ. 2.50 લાખથી ઉપરના પ્રોવિડન્ટ ફંડ પર ટેક્સ લાગુ થશે. બજેટ-2021માં જાહેર પ્રોવિડન્ટ ફંડને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસ (CBDT)એ FY22માં આવકવેરા નિયમ, 1962ના નિયમ હેઠળ 9Dને સામેલ કરી છે. આ નિયમ હેઠળ પ્રત્યેક EPFO સબસ્ક્રાઇબરની પાસે બે PF-EPF ખાતાં હશે, તો બીજા ખાતામાં મર્યાદાથી વધુ PF પર ટેક્સ લગાડવામાં આવશે.

નવા આવકવેરા ટેક્સના નિયમ મુજબ CBDTના જાહેરનામા મુજબ  ઓર્ગેનાઇઝેશનને બે અલગ-અલગ PF ખાતાં રાખવાની જરૂર છે. એક ખાતામાં કર્મચારીના યોગદાન પર ટેક્સ લાગશે, જ્યારે અન્ય બીજું ખાતું નોન-ટેક્સેબલ યોગદાન હશે. EPFમા ટેક્સેબલ અકાઉન્ટમાં જમા રકમ પર મળનારા વ્યાજ પર ટેક્સ લાગશે, એમ ક્લિયરના સંસ્થાપક અને CEO અર્ચિત ગુપ્તાએ જણાવ્યું હતું.

એક નવી જોગવાઈ મુજબ જે કરદાતાઓને આવકવેરા રિટર્નમાં રહી ગયેલી ત્રુટિઓ અથવા ભૂલો માટે એક અપડેટેડ રિટર્ન દાખલ કરવાની મંજૂરી આપશે. કરદાતા હવે નાણાકીય વર્ષના અંતે બે વર્ષની અંદર એક અપડેટેડ રિટર્ન દાખલ કરી શકે છે.

આ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ હવે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાને 14 ટકા સુધી NPS યોગદાન માટે ધારા 80CCD (2) હેઠળ કાપનો દાવો કરી શકશે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ કાપના અનુરૂપ હશે.