મોંઘવારીનો મારઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો સતત ચાલુ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો જાહેર કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર 40 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જેથી છેલ્લા બે સપ્તાહમાં ફ્યુઅલની કિંમતોમાં લિટરદીઠ રૂ. 8.40નો વધારો થયો હતો.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ મુજબ દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે લિટરદીઠ રૂ. 103.81 થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત રૂ. 94.67 પ્રતિ લિટરથી વધીને રૂ. 95.07 થઈ ગઈ છે. છેલ્લા 14 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો 12 વાર વધી ચૂકી છે. કુલ મળીને પેટ્રોલની કિંમત લિટરદીઠ 12 દિવસમાં રૂ. 8.40 વધી ગઈ છે. બીજી બાજુ CNGની કિંમત આકાશને આંબી રહી છે. દિલ્હીમાં છેલ્લા 12 કલાકમાં બે વાર CNGમાં ભાવવધારો થયો છે. સોમવારે CNGની કિંમતોમાં રૂ. 2.5 પ્રતિ કિલોનો વધારો થયો છે. આ પહેલાં રવિવારે મોડી રાતે CNGમાં 80 પૈસા વધ્યા હતા.

વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં કિંમતો મુજબ પ્રતિદિન ફ્યુઅલની ઘરેલુ કિંમતો સંશોધિત થાય છે. આ નિયમ વર્ષ 2017મા લાગુ થયો હતો. ત્યારથી પ્રતિદિન સવારે છ કલાકે દેશના દરેક ફ્યુઅલ સ્ટેશન પર નવી કિંમતો લાગુ થાય છે.  કેન્દ્ર અને રાજ્યનાં કરમાળખાં અલગ-અલગ હોય છે, જેમાં સ્થાનિક વેટ અને અન્ય ટેક્સને લીધે દરેક રાજ્યમાં ફ્યુઅલ ઓઇલની કિંમતો જુદી-જુદી હોય છે.