નવી દિલ્હી- ભારતીય સરહદ પર પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમ છતાં ભારતે પાકિસ્તાન સાથે રાજકીય સંબંધો સુધારવા વધુ એક પહેલ કરી છે. ભારતે પાકિસ્તાનનાં વાણિજ્ય પ્રધાન પરવેઝ મલિકને નવી દિલ્હીમાં યોજાનારા WTO માટે આમંત્રણ આપ્યું છે.આ પહેલા પાકિસ્તાનના કોઈ નેતાના ભારત આવવાની ઘટના ડિસેમ્બર-2016માં થઈ હતી, જ્યારે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના સલાહકાર સરતાજ અઝીઝ અમૃતસરમાં યોજાયેલા અફઘાનિસ્તાન વિષય પર આયોજીત એક સમ્મેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.
વિશ્વ વ્યાપાર સંગઠનની આ બેઠક 19-20 માર્ચે યોજાશે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ ભારત દ્વારા પાકિસ્તાન સામે અત્યાર સુધીના કડક વલણ અપનાવ્યા બાદ WTOમાં નિમંત્રણના પગલાને મહત્વનું માનવામાં આવે છે. મહત્વનું છે કે, ગત સપ્તાહે જ ગ્લોબલ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF) ચેતવણી ઉચ્ચારી હતી કે, જો પાકિસ્તાન દ્વારા આતંકવાદને રાજકીય રીતે ઉપયોગ કરવાનું બંધ કરવામાં નહીં આવે તો તેને વૈશ્વિક મંચ ઉપર એકલું કરી દેવામાં આવશે.
ગત વર્ષે પાકિસ્તાનમાં આયોજીત સાર્ક સમ્મેલનમાં ભારતની પહેલ બાદ ભારત સહિત અનેક દેશોએ ભાગ લેવાથી ઈનકાર કર્યો હતો. ત્યારબાદ સમ્મેલન મોકૂફ રાખવાની ફરજ પડી હતી. આ ઘટનાને ભારતની મોટી રાજકીય જીત તરીકે જોવામાં આવી હતી.
માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર તેના કાર્યકાળના ચોથા વર્ષમાં પાકિસ્તાન સાથે થોડું નરમ વલણ આપનાવી રહી છે. અને પાકિસ્તાન સાથે ચર્ચા માટે આકરી શરતો પણ હટાવી શકે છે. આ પહેલા ભારત એ વાત પર મક્કમ રહ્યું હતું કે, જ્યાં સુધી સરહદ પારથી આતંકવાદ પર નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરશે નહીં. પરંતુ હવે પાકિસ્તાનને WTO માટે નિમંત્રણ આપીને ભારતે વધુ એકવાર સંબંધો સુધારવા પહેલ કરી છે.