બાથટબમાં બેહોશ હતી શ્રીદેવી, જાણો દુબઈની હોટલની અંતિમ ક્ષણોમાં શું થયું

મુંબઈ- ભારતીય સિનેજગતની ચાંદની એટલે કે શ્રીદેવી ગત શનિવારે રાત્રે અચાનક જ દુનિયાને અલવિદા કરીને જતી રહી. શ્રીદેવીના અચાનક નિધનથી તમામ લોકોને આઘાત લાગ્યો છે. શ્રીદેવી પોતાના સંબંધીના લગ્નમાં હાજરી આપવા પરિવાર સાથે દુબઈ ગઈ હતી.દુબઈના સમાચાર પત્રએ કપૂર પરિવારના નજીકના સૂત્રોના હવાલેથી લખ્યું છે કે, શનિવારની સાંજે કાર્ડિયાક એટેકના લીધે શ્રીદેવીનું મોત થયું તે પહેલાં શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર સાથે ડ્રીમ ડિનર ડેટ પર જવાની તૈયારી કરી રહી હતી.

દુબઈના સમાચાર પત્રએ વધુમાં લખ્યું કે, બોની કપૂર શનિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે દુબઈની હોટલ પર પહોંચ્યા હતા, જ્યાં શ્રીદેવી પહેલેથી જ હાજર હતી. હોટલના રુમમાં બોની કપૂર અને શ્રીદેવી વચ્ચે અંદાજે 15 મિનિટ સુધી વાતચીત થઈ હતી. બોનીએ પોતાની પત્નીને ડિનર પર જવા કહ્યું. ત્યારબાદ શ્રીદેવી બાથરુમમાં ગઈ હતી.

બાથરુમમાં ગયા પછી શ્રીદેવી 15 મિનિટ સુધી બહાર નહીં આવતા તેના પતિ બોની કપૂરે દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં ત્યારે તેમણે કોઈ પ્રકારે દરવાજો ખોલ્યો. બોની કપૂરે બાથરુમ અંદર જોયું તો શ્રીદેવી પાણી ભરેલા બાથટબમાં બેહોશ પડી હતી. બોનીએ તેને ભાનમાં લાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ તેમણે પોતાના એક મિત્રને હોટલના રુમમાં બોલાવ્યો અને લગભગ 9 વાગ્યે પોલીસને જાણ કરી. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને શ્રીદેવીએ દુનિયાને અલવિદા કરી દિધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]